પંચમહાલ જિલ્લાના 52,699 શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી…

ગોધરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

મનરેગા યોજના, પીએમ આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન અને મિશન મંગલમ યોજનાઓ હેઠળ વિવિધ કામો શરૂ

15,875 કામો દ્વારા સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવાનો આશય :- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ

કોવિડ-19 સંક્રમણના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિકો-કામદારોને રોજગારી માટે બહાર જવું ન પડે તે માટે સ્થાનિક સ્તરે રોજગારી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે દિશા-નિર્દેશ કર્યા છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના શ્રમિકોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે હેતુસર સુજલામ સુફલામ અને મનરેગા યોજના હેઠળ મોટા પાયે વિવિધ કામોની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં હાલની સ્થિતિએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી વિવિધ યોજનાઓના કુલ 15,875 કામો શરૂ કરવામાં આવ્યા છે જેથી જિલ્લાના 52,699 શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે કોવિડ-19 સંક્રમણના ભયને ધ્યાને રાખીને મજૂરો-શ્રમિકોને કામ અર્થે બહાર ન જવું પડે તે માટે સ્થાનિક સ્તરે મહત્તમ રોજગારી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ અંતર્ગત 15,875 કામોની શરૂઆત કરી આશરે 52,000થી વધુ શ્રમિકો માટે રોજગારીના અવસર સર્જવામાં આવ્યા છે. આ ઉપરાંત, સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ કામ પર આવતા શ્રમિકો માટે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ, છાંયડા-પીવાના પાણીની સુવિધા, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી સહિતની બાબતોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વિગતો જોઈએ તો, મનરેગા યોજના હેઠળ 4868 કામોની શરૂઆત કરી કુલ 24,739 શ્રમિકોને, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 6593 કામોની શરૂઆત કરી કુલ 19,772 શ્રમિકોને, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત 4408 કામોમાં કુલ 6476 તેમજ મિશન મંગલમ યોજનાના 6 કામો અંતર્ગત 1712 શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ જળ સંચય અભિયાન અંતર્ગત ચેકડેમ ડિપનિંગ, માટી પાળા, તળાવ ઉંડા કરવા તેમજ સામૂહિક સિંચાઈ કૂવા, રોડ-રસ્તા, જમીન સમથળના કામોના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here