પંચમહાલ જિલ્લાના 100થી વધુ ઉદ્યોગકારોએ લોકડાઉનના સમયગાળાનો પૂરો પગાર ચૂકવવા સંમતિ દર્શાવી

ગોધરા,તા-૦૪-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- અનુજ સોની

કામદારોને લોકાડાઉનના સમયનું મહેનતાણું કોઈ કપાત વગર ચૂકવવા અંગેના જાહેરનામાનો અમલ

પગાર બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો હેલ્પલાઈન 1077 પર ફરિયાદ કરી શકાશે જિલ્લાના તમામ એમ્પલોયર્સને જાણકારી અપાઈ રહી છે

ગોધરા, શુક્રવારઃ કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાને રોકવાના હેતુસર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 14મી એપ્રિલ, 2020 સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આવશ્યક સેવાઓ સિવાયના તમામ દુકાનો-ધંધાઓ, ઉદ્યોગો, વ્યાપારી-વાણિજ્ય સંસ્થાઓ બંધ રાખવામાં આવ્યા છે. જો કે કામદારો અને કર્મચારીઓને આર્થિક નુકસાન ન જાય તે હેતુસર સરકાર દ્વારા આ સમયગાળાનો પૂરેપૂરો પગાર ચૂકવવા તમામ સંસ્થાનો-ઉદ્યોગો-દુકાનોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા ઉદ્યોગકારોનો સંપર્ક કરાતા આશરે 100 જેટલા ઉદ્યોગકારોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ કારખાનેદારોએ 7મી એપ્રિલ,2020 સુધીમાં આશરે 52,000 કામદારો, કર્મચારીઓને વેતન પેટે અંદાજિત 65 કરોડની રકમ ચૂકવવા બાંયેધરી આપી છે. કામદારોને કોઈ કપાત વગર વેતન ચૂકવવા માટે જિલ્લાના તમામ ઉદ્યોગકારોનો શ્રમ અધિકારી દ્વારા સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત, નાના તથા મધ્યમ કક્ષાના કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ માટે 1) ફેડરેશન ઓફ પંચમહાલ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી રમણભાઈ પટેલ 2)ગોધરા જી.આઈ.ડી.સી. એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખશ્રી બવિન્દ્રા તનેજા 3)કાલોલ જી.આઈ.ડી.સી. એસોસિયેશનના પ્રમુખશ્રી હિમાંશુભાઈ પટેલ દ્વારા તેમના સભ્ય એવા ઉદ્યોગકારોને સમયસર પગાર ચૂકવવા અંગે અપીલ કરવામાં આવી છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ પણ તમામ કામદારો/કર્મચારીઓને સમયસર કોઈ કપાત વગર પગાર ચૂકવવા માટે બાંયેધરી આપી છે. પંચમહાલ જિલ્લામાં કોઈપણ કામદાર, કર્મચારીને વેતન અથવા નોકરીમાંથી છૂટા કરવાની કોઈ ફરિયાદ હોય તો જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નંબર 1077 પર ફરિયાદ કરી શકાશે. આ ઉપરાંત, જિલ્લા મદદનીશ શ્રમઆયુક્તની કચેરી ખાતે 02672-240003 પર જિલ્લા શ્રમ અધિકારીને સીધી ફરિયાદ પણ કરી શકાશે.

સરકારે શ્રમયોગીઓને લોકડાઉનના સમયગાળાનો પગાર કોઈ કપાત વગર ચૂકવવા હુકમ કર્યો છે
પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડીને રોજગાર પૂરો પાડતા તમામ ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થાઓ-દુકાનો, કોન્ટ્રાક્ટરોને તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ નિયત કરેલ મહેનતાણું નિયત કરેલ તારીખે કોઈપણ પ્રકારની કપાત વગર પુરેપૂરુ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here