પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

તાલુકા અને નગરપાલિકા કક્ષાના રૂ.૧૦ કરોડ ૭૫ લાખના કુલ ૬૬૩ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી

મંત્રીશ્રીના હસ્તે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨.૦ બુકનું કરાયું અનાવરણ

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે – મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર

પંચમહાલ જિલ્લાના પ્રભારીમંત્રી અને આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ બેઠકમાં ૧૫% વિવેકાધીન અને ૫% પ્રોત્સાહક જોગવાઈ ( તાલુકાકક્ષા અને નગરપાલિકા કક્ષા)ના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજૂ થયેલ આયોજન વંચાણે લઈ રજૂ કરેલ કુલ ૧૦ કરોડ ૭૫ લાખ ૨૫ હજારના ૬૬૩ વિકાસકામોને સરકારશ્રીની ગાઇડલાઈનને ધ્યાનમાં રાખી મંજૂર કરવામાં આવ્યા હતા.

સદર બેઠકમાં સંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ક્રમવાઇઝ કામોને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે આરોગ્યને લગતા વિકાસના કાર્યોને ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું હતું.ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે નવીન સિટી સ્કેન મશીનની માંગણી, નવીન હેડ પંપ, હેડ પંપ રિપેર, બોરવેલ, સીસી રોડ,બ્લોક,પંચાયત,શિક્ષણ અને એટીવીટીના કાર્યો પૂર્ણ કરી જીઓ ટેગ કરવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે તથા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ પરીક્ષાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.બેઠકમાં મંત્રીશ્રીના હસ્તે જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરાયેલ પંચમહાલ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ૨.૦ બુકનું અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.આર ભાભોર દ્વારા વિવિધ વિકાસના કાર્યોની માહિતી અને આભારવિધિ રજૂ કરાઈ હતી.

મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સભાખંડમાં યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી,નિમિષાબેન સુથાર, જયદ્રહજીસિંહ પરમાર,ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા,પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ,જિલ્લા આયોજન અધિકારીશ્રી ભાભોર,પ્રાંત અધિકારીશ્રીઓ,જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here