પંચમહાલ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસને પ્રવેશતો અટકાવવા મજબૂત મોરચાબંધી….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સંક્રમણ સામે સલામતીના શ્રેણીબધ્ધ પગલાઓ લેવાયા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતું અટકાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના સીધા માર્ગદર્શન હેઠળ શ્રેણીબધ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. શહેર કે વિદેશથી આવતા વ્યક્તિઓની નોંધણી માટે દરેક ગ્રામ પંચાયત સ્તરે ગ્રામ યોધ્ધા સમિતીની રચના કરવામાં આવી. જે અંતર્ગત નોંધણી કરાયેલ કુલ 1592 વ્યક્તિઓનું આરોગ્ય વિભાગના સહકારથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. કુલ 9955 લિટર સોડિયમ હાઈપોક્લોરાઈડનો ઉપયોગ કરી જિલ્લાના સાતેય તાલુકાના તમામ ગામોને સેનિટાઈઝ કરવામાં આવ્યા. ગ્રામ્ય કક્ષાએ દુર્ગંધ મારતા પ્લાસ્ટિક તથા ઘનકચરાનો નિકાલ કરવા અભિયાન હાથ ધરીને કુલ 425 ગામોમાંથી 55,717 કિલોગ્રામ જેટલા ઘનકચરાનો નિકાલ કરવામાં આવ્યો.
કોરોનાના ફેલાવા સામે અસરકારક પુરવાર થતા સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાઓનું ગ્રામ્ય સ્તરે ચુસ્ત પાલન થાય તે માટે નાગરિકોને સમજૂત કરી કોઈપણ પ્રકારના સામાજિક/ધાર્મિક પ્રસંગો કે મેળાવડા યોજાય નહીં તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના મુખ્ય માર્ગો પર કોરોના વાઈરસ અંગેની જાણકારી તથા તકેદારીના પગલાઓ દર્શાવતા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા. સંક્રમણ ફેલાતું અટકાવવા જાહેરમાં થૂંકવા બદલ દંડ અંગેના જાહેરનામાનો અસરકારક અમલ કરાવતા કુલ 183 વ્યક્તિઓ પાસેથી રૂ.91,500/-નો દંડ વસૂલવામાં આવ્યો.
લોક ડાઉન દરમિયાન બાળકોના પોષણ સ્તરને હાનિ ન પહોંચે તે માટે આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડીના બાળકોને ઘરે-ઘરે જઈને ટેક હોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું. જે અંતર્ગત 6 માસથી 3 વર્ષના બાળકો, 3 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ તથા સગર્ભા/ધાત્રી માતાઓને કુલ 10,93,384 પેકેટ ટીએચઆરનું વિતરણ કરવામાં આવ્યું. કોરોના સામેની લડાઈમાં આર્થિક સહયોગ કરવા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસના પગારની રકમ રૂપે કુલ 1.44 કરોડની રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં ફાળારૂપે આપવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીશ્રીઓને સૂચિત કરી કોરોના સંદર્ભે ગ્રામ પંચાયત કક્ષાએ તકેદારીના પગલા લેવાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here