પંચમહાલમાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ ડામવા કોરોના પ્રભાવિત વિસ્તારમાં આરોગ્યતંત્રની સઘન કામગીરી…

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

~ 36,000 વ્યક્તિઓના આરોગ્યની બારીકાઈથી તપાસ કરી નિરીક્ષણ હેઠળ મુકાશે

~ 938 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ, 267 વ્યક્તિઓ હજુ પણ ક્વોરેન્ટાઈન હેઠળ ,જિલ્લામાંથી અત્યારસુધી 9 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા, જે પૈકી 8ના રિપોર્ટ નેગેટિવ અને 1 પોઝિટિવ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

~ જિલ્લામાં 2 કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 24 કલાક ઓપીડીની શરૂઆત

પંચમહાલ જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓ પર અંકુશ લાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના વિષયક સ્થિતિ અને કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલની સ્થિતિએ 9 જેટલા સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 8 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 1 કેસ પોઝિટિવ આવ્યો હતો, જેમનું સારવાર દરમિયાન અવસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર ની માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લાના બધા જ શંકાસ્પદ કોરોના કેસોની સારવાર હવેથી કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં જ કરવામાં આવશે. તે માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે 100 બેડની અને તાજપુરા નારાયણ હોસ્પિટલ ખાતે 100 બેડની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં 24 કલાકની ઓપીડી પણ શરૂ થઈ ગઈ છે.જિલ્લામાં 17 ક્વોરેન્ટાઈન સ્થળ અને 538 ક્વોરેન્ટાઈન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 4 આઈસોલેશન વોર્ડ અને 35 આઈસોલેશન બેડનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના લોકલ સંક્રમણની શકયતા નાબૂદ કરવા માટે કોરોના પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારની પ્રભાવિત ક્લસ્ટર તરીકે ઓળખાણ કરવામાં આવી છે, જેમાં કુલ 74 ઘરો છે, જેમાં 20 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ થયેલું છે. તે તમામને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી તેમના પરિવારજનો સહિતના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય તેવા 8 વ્યક્તિઓનું દિવસમાં 2 વાર તેમજ અન્ય 12 વ્યક્તિઓનું પ્રતિદિન 1 વાર ક્યુએસટી ટીમ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવે છે. આ માટે કુલ 5 રેપિડ રિસ્પોન્સ ટીમની પણ રચના કરવામાં આવી છે. કોરોના પ્રભાવિત ક્લસ્ટર એરિયાની આસપાસના 2 કિમી જેટલા બફર એરિયામાં 19 મેડિકલ ટીમો દ્વારા 7000 ઘરો અને 36,000 લોકોના આરોગ્યની સઘન ચકાસણી હાથ ધરી નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે.આ સર્વે હેઠળ 19,000 જેટલા લોકોને આવરી લઈને તપાસ કરવામાં આવી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમાજના આગેવાનોને સાથે રાખીને જનતાના હિતાર્થે આ કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ લોકોની કુલ સંખ્યા 1205 છે, જે પૈકી 938 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરેલ છે, જ્યારે 267 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજુ ચાલુ છે. જિલ્લામાં કોરોના કન્ફર્મ કેસોની સંખ્યા 1 છે અને 1 વ્યક્તિનું કોરોનાના કારણે મરણ થયેલ છે. તેમણે જનતાને ઉગ્ર તાવ, શરદી, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો સરકારે જાહેર કરેલી ફીવર હેલ્પલાઈન 104નો સંપર્ક કરવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના મેડિકલ પ્રેક્ટિશનર્સ, આયુર્વેદીક અને હોમિયોપેથીક ડોકટર્સ સાથે બેઠક કરીને કોરોના સંક્રમણ પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓનું ડો.ટેકો એપ પર રિપોર્ટિંગ કરવા સહયોગ આપવા જણાવાયું છે જેથી જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here