નર્મદા જીલ્લામા રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી નિરીક્ષકશ્રી એસ.જે. જોષીનું આગમન : કાર્યભાર સંભાળ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ

ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાથે ચૂંટણીલક્ષી જરૂરી બાબતો અંગે કરેલો વિચાર-વિમર્શ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, (SVPRET) ના ચીફ મેનેજરશ્રી એસ.જે. જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે શ્રી જોષીએ આજે રાજપીપલા ખાતે આવી પહોંચીને તેમનો ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

ચૂંટણી નિરીક્ષકશ્રી એસ.જે.જોષીએ આજે રાજપીપલા ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.વ્યાસ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાથે બેઠક યોજીને જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી તાલીમ વ્યવસ્થા, ચૂંટણી ફરજ પરનો સ્ટાફ, ઇ-વી.એમ. વ્યવસ્થા, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો, ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની તેમજ ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવા અંગેની કામગીરી તથા પોલીસ બંદોબસ્ત સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કરી આંકડાકીય વિગતો મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here