નર્મદા જિલ્લો સ્માર્ટ ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરશે 2 કરોડના ખર્ચે પુસ્તકાલયનુ નિર્માણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અદ્યતન એકવીસમી સદીને અનુરૂપ લાઇબ્રેરી બનાવીને નર્મદા જિલ્લાના લોકોને વિશ્વના જ્ઞાન ભંડાર સાથે જોડાસે

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદા જિલ્લાને મળનારી સુવિધા માટે તાબડતોબ ૧૫૦૦ ચો.મી.જમીન ફાળવી

રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના સ્માર્ટ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, તેના ભાગરૂપે જિલ્લાને સ્માર્ટ, ડિઝીટલ અને હાઇટેક પુસ્તકાલયના યુગમાં પ્રવેશ કરાવવાના દ્વાર માટે હાલમાં રૂા.૨ કરોડના ખર્ચે અતિ અદ્યતન એકવીસમી સદીને અનુરૂપ લાઇબ્રેરી બનાવવા માટેની સૈધ્ધાંતિક મંજુરી આપીને નર્મદા જિલ્લાના લોકોને વિશ્વના જ્ઞાન ભંડાર સાથે જોડાવાની તક પુરી પાડી છે. જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ સુવિધા જિલ્લાને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે જિલ્લા પ્રશાસનને સક્રિય કરીને તાબડતોબ ૧૫૦૦ ચો.મી. જેટલી જમીન ફાળવી છે.
              જેમાં રાજપીપલા શહેરની વચ્ચોવચ કરજણ કોલોની સંકુલમાં સરકાર તરફથી ૧૫૦૦ ચો. મીટર જમીન નવીન જિલ્લા સરકારી પુસ્તકાલયના બાંધકામ માટે મંજુર કરવામાં આવતાં જિલ્લા કલેકટર તરફથી આ જમીનનો કબજો રાજ્યના ગ્રંથાલય વિભાગને તાબડતોબ ફાળવીને સુપ્રત કરાયો છે.
             અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે પ્રજાજનોને વાંચન સુવિધા ઉપલબ્ધ બને તે ઉદ્દેશથી ગત-૨૦૦૧ ના વર્ષથી સરકારી જિલ્લા ગ્રંથાલય સેવાઓ શરૂ કરાયેલ હતી. પરંતુ આ ગ્રંથાલય માટે સરકારી ભવન ઉપલબ્ધ ન હોવાના લીધે કરજણ વહિવટી સંકુલના ભોયતળિયે હાલમાં ગ્રંથાલયની સેવાઓ ભાડાના મકાનમાં અપાઇ રહી છે. જેથી નર્મદા જિલ્લા કલેકટર તરફથી  નવીન સ્માર્ટ ગ્રંથાલયના ભવનના બાંધકામ માટે કરજણ સિંચાઇ યોજના હસ્તકની જમીન સંપાદન કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરાતાં અને મહેસૂલ વિભાગની તમામ વહિવટી પ્રક્રિયા બાદ સંપાદિત જમીન મહેસૂલ વિભાગ ધ્વારા ફાળવાતાં રાજપીપલા ખાતે આગામી સમયગાળામાં નવી બાબત તરીકે રજુ કરી જરૂરી નાણાંકીય જોગવાઇ ઉપલબ્ધિ માટેની કાર્યવાહી કરાશે.
              રાજય ના ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી ધ્વારા રાજપીપલાના માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) ની કચેરીને જિલ્લા કલેકટરશ્રી ધ્વારા ફાળવાયેલ ઉક્ત ૧૫૦૦ ચો.મીટરની જગ્યામાં બે માળના અદ્યતન ગ્રંથાલય ભવનના બાંધકામ માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં, અદ્યતન વિદ્યાર્થી વાંચન ખંડ, અદ્યતન ગ્રંથ ભંડાર, અદ્યતન વાંચનાલય, સંદર્ભ વિભાગ, બાળ વિભાગ, મહિલા વિભાગ, સિનિયર સિટીઝન વિભાગ, દિવ્યાંગજનો માટેનો વિભાગ, કોમ્પ્યુટર સવિધા સાથેનો વિભાગ, પ્રથમ માળ અને બીજા માળે ગ્રંથપાલ અને મદદનીશ ગ્રંથપાલ માટે ઓફિસ રૂમ, પ્રથમ અને બીજા માળે જરૂરી રેકર્ડ રૂમ, રીફ્રેશમેન્ટ ઝોન રૂમ અને સિક્યોરીટી ગાર્ડ રૂમની વગેરે જેવી આધુનિક સુવિધા-વ્યવસ્થા માટેનું આયોજન કરાયેલ છે. 
               ડિઝીટલ લાઇબ્રેરીની સુવિધાઓ સાથેની ભેટ નર્મદા જિલ્લાવાસીઓ માટે સિમાચિન્હરૂપ બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here