નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ “નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અંતર્ગત “ સેન્ટ્રલ કિચન “ દ્વારા બે ટંકના ભોજન બાદ નિરાધાર પરિવારોને અનેકવિધ સવલતો પુરી પાડવાનું અભિયાન બન્યું ગતિમય

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રાથમિક સર્વે હેઠળના ૨૫ જેટલા પરિવારોને જીવન જરૂરીયાતની-પાયાની આવશ્યક ચીજવસ્તુઓની સંખ્યાબંધ સામગ્રી સાથેની કિટ્સનું કરાયું વિતરણ

નર્મદા જીલ્લા કલેક્ટર ડી.એ.શાહની દોરવણી અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન પોતાની ખાતાકીય કામગીરી અને સોંપાયેલી જવાબદારીઓ સુપેરે પાર પાડવાની સાથોસાથ સમાજમાં ભટકતુ જીવન ગુજારી ફૂટપાથ પર રાતવાસો કરતા બેબશ-લાચાર-નિરાધાર વ્યક્તિઓ-પરિવારો પ્રત્યેનું પોતાનું સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવી સરકારી સેવાઓની સાથોસાથ સમાજ પ્રત્યેની પણ તેમની નૈતિક ફરજો અને જવાબદારીઓ જિલ્લાની સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લાના આગેવાનો સહિત સહુ કોઇના સહયોગથી નિભાવવાની સાથોસાથ તેમની કર્તવ્યશીલતાથી માનવતાના આ યજ્ઞને ઉજાગર કરી તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહેલ છે.

સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માનવી સંવેદનાઓથી છલોછલ વૈચારિક્તા સાથે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા “ નોંધારાનો આધાર “ પ્રોજેક્ટ અન્વયે ખૂબજ ટૂંકાગાળામાં ગત તા.૩૧ મી મે,૨૦૨૧ ના રોજ “ સેન્ટ્રલ કિચન “ પ્રારંભ સાથે સર્વે કરાયેલા કુટુંબો-પરિવારોને બે ટંક ભોજન પુરૂં પાડવાનું ભગીરથ કાર્ય આગળ ધપી રહયું છે. આવા પરિવારોને ભોજનની સાથોસાથ જીવન જરૂરીયાતની પાયાની ઘરેલું ચીજ-વસ્તુઓ પુરી પાડવા સહિતની અનેકવિધ સવલતો તેમને તબ્બકાવાર પુરી પાડવાના આયોજનના અમલની દિશા તરફ આ અભિયાન ગતિમય બન્યું છે.

જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના જણાવ્યા અનુસાર રાજપીપલા શહેરમાં જિલ્લા વહિવટીતંત્ર અને NGO ટીમ દ્રારા કરાયેલા સર્વેક્ષણમાં ઘણા વખતથી નિરાધાર જીવન વ્યતિત કરી રહેલા આવા કુટુંબો-પરિવારોને રેન-બસેરામાં આશરો પુરો પાડવાના ભાગરૂપે જિલ્લા વહિવટીતંત્ર, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો, પદાધિકારીશ્રીઓ વગેરેના સહયોગથી આવા પરિવારોને સમજાવીને રેન-બસેરામાં શિફટીંગ કરવાની કામગીરી પણ હાથ ધરાઇ છે, ત્યારે આવા લોકોને બે ટંક ભોજનની સેવા ઉપરાંત તેમની જીવન જરૂરીયાતની પાયાની અને સંખ્યાબંધ સામગ્રી આવશ્યક ચીજ-વસ્તુઓની કિટ્સ શહેરના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત સહુ કોઇના સહકારથી ૧ કિટ્સ આવા ૨૫ જેટલા પરીવારોને ૨૫ જેટલી કિટ્સ પૂરી પાડવાની કામગીરી ગઇકાલથી શરૂ કરાઇ છે અને એકાદ-બે દિવસમાં તમામ પરિવારોને તેનું વિતરણ પૂર્ણ કરાશે.

જિલ્લા વહિવટીતંત્ર અને સામાજિક સેવા સંસ્થાના સહયોગથી કરાયેલા સર્વેના પ્રાથમિક તબક્કે હાલમાં આશરે ૨૫ જેટલા પરિવારોને ઉક્ત જીવન જરૂરીયાતની ઘરેલું ચીજ-વસ્તુઓની કિટ્સનું ગઇકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં નર્મદા સુગર ફેકટરીના ચેરમેન અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તેમજ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તબક્કામાં સર્વે કરાયેલા આ નિરાધાર પરિવારોને કરાયેલા કિટ્સ વિતરણમાં કાપડની બેગ, ઓશિકા, શેતરંજી, ચોરસો, નેપકીન, ટુવાલ, કાંસકા, હાથ રૂમાલ, મોજા, તાપ માટેની ટોપી, અરીસો, મચ્છરદાની, બેટરી-ટોર્ચ, છત્રી, વોટર બોટલ, પાણીનો જગ, ગ્લાસ, બાંબુ સહિત તાડપત્રી, સ્લીપર, નેઇલ કટર, ડોલ-ટબ-ચંબુ, કપડા ધોવાનો ધોકો અને બ્રશ, સ્ટીની થાલી-વાટકી- ચમચી, સ્ટીલની ટ્રંક/પેટી, તાળુ, ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, ઉલીયું, હેર ઓઇલ, લાઇફબોય સાબુ, કલીનીક પ્લસ શેમ્પુ, પોન્ડસ પાઉડર,વીકસ-બામની ડબ્બી, કપડા ધોવાના સાબુ, સેનેટરી પેડ્સ, સીંગ-ચણા, સિંગની ચિકી, ખારેક/ખજુર ઉપરાંત પુરૂષ માટે પેન્ટ-શર્ટ-ધોતીના કપડા, મહિલાઓ માટે સાડી-ગાઉનના કપડા, છોકરાઓ માટે પેન્ટ-શર્ટ અને છોકરીઓ માટે ફ્રોક-લેડીઝ ડ્રેસ વગેરે જેવી વસ્તુઓનો ઉક્ત કિટ્સમાં સમાવેશ કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here