નર્મદા જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય ઠરેલા ૧૦૩ મતદારો પૈકી ૯૮ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો

જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ

૧૪૮-નાંદોદ અને ૧૪૯- દેડિયાપાડા બંને વિધાનસભા વિસ્તારમાં મળી કર્મચારીઓ/અધિકારીઓની કુલ ૧૨ ટીમો દ્વારા કરાયેલી કામગીરી

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે સુસજ્જ છે, ત્યારે આજે તા.૨૩ મીના રોજ બુધવારે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં વયોવૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારમાં વયોવૃદ્ધ મતદાતાઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં માન્ય ઠરેલા ૭૩ મતદાતાઓ પૈકી ૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ મળીને ૧૦૩ નોંધાયેલા વયોવૃદ્ધ મતદાતા પૈકી ૯૮ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ/કર્મચારીઓ અને પોલીસ જવાનોની કુલ ૧૨ જેટલી ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. બંન્ને મતદાર વિસ્તારોમાં યોજાયેલી પોસ્ટલ બેલેટની કામગીરીનું મોનીટરિંગ ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણીની રાહબરીમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ.વી. વિરોલા અને પ્રતિક સંગાડા દ્વારા કરવામાં આવ્યું હતું.

વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને સતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી મતદાનની સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી.

નાંદોદ વિધાનસભા મતદાર વિભાગમાં હાથ ધરાયેલી પોસ્ટલ બેલેટની મતદાન પ્રક્રિયા દરમિયાન પોતાનો મત આપી ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થા સંદર્ભે આભાર વ્યક્ત કરતા રાજપીપલાના ભાટવાડા વિસ્તારમાં રહેતા અરવિંદકુમાર અમરસિંહ બારોટે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા જેવા વૃદ્ધ મતદારો કે જેઓ મતદાન કરવા માટે મતદાન મથક સુધી જઈ શકતા નથી તેમના માટે મતદાન પૂર્વે ઘર આંગણે આવીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેથી લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ મતદાતા તેના મતાધિકારથી વંચિત ન રહે. આજે મારી મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહીના ઉત્સવમાં સહભાગી બની ગર્વની લાગણી અનુભવું છું. અન્ય મતદારોએ પણ આ અવસરમાં સહભાગી બની પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જોઈએ તેવી નમ્રભાવે અપીલ કરું છું, તેમ તેઓએ ઉમેર્યું હતું.

રાજપીપલાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરીમાંથી વય નિવૃત્ત થયા બાદ નિવૃત્ત જીવન ગાળી રહેલા દેવદાસભાઈ મોહનભાઈ કાછિયા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૩ વર્ષથી હું નિવૃત્ત જીવન વિતાવી રહ્યો છું. અત્યાર સુધી દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છું. હાલમાં મને જોવા-સાંભળવાની અને ચાલવાની તકલીફ છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદારો માટે ઘર આંગણે જ પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના આધારે આજે હું મારા મતાધિકારનો ઉપયોગ કરી શક્યો છું. મતદાનની ગુપ્તતા પણ જળવાઈ છે અને મુક્ત વાતાવરણ વચ્ચે મેં મતદાન કર્યું છે. ચૂંટણી પંચની આ સુવિધા ખરેખર ખૂબજ સારી છે. આગામી તા.૦૧ લી ડિસેમ્બરે યોજાનારા મતદાનમાં તમામ નાગરિકોએ સહભાગી બની અવશ્ય મતદાન કરી લોકશાહીના પર્વને વધાવવું જોઈએ. મતદાનનો અધિકાર ધરાવતા તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા તેઓએ સૌને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here