નર્મદા જિલ્લામાં લોકડાઉનના કારણે મહુડા પર નભતા આદિવાસીઓની રોજગારી પર સીધી અસર પડી…!!

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

છેલ્લા 43 દિવસથી લોકડાઉનને કારણે મહુડાઓની વેચાણ ખરીદી બંધ હોવાથી આદિવાસીઓની રોજગારી બંધ થઈ ગઈ હતી.

ત્રીજા લોકડાઉનમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળા દ્વારા ડીપીસી (ડાયરેક્ટ પરચેઝ સેન્ટર) શરૂ કર્યા.

નર્મદામાં ઝરવાની, રાજપીપળા, દેડીયાપાડા, દાંડાવાડી આ ચાર સ્થળોએ ખરીદી-વેચાણ સેન્ટર શરૂ થયા.

નર્મદા જિલ્લામાં હાલ લોકડાઉન ચાલુ છે ત્યારે તેની સીધી અસર મહુડા પર નભતા આદિવાસીઓની રોજગારી પર પડી છે . મહુડાના ફૂલો તો ખરી રહ્યા છે અને આદિવાસીઓ વહેલી સવારે ટુકડા લઈને મહુડાના ફૂલો વીણી લાવીને ઘરમાં ભેગા કરી રાખ્યા છે.છેલ્લા 40 દિવસથી લોકડાઉનને કારણે મહુડાઓની વેચાણ ખરીદી બંધ હોવાથી આદિવાસીઓની રોજગારી બંધ થઈ ગઈ હતી પણ ગઈ કાલેથી એટલે કે બે દિવસથી ત્રીજા લોકડાઉનમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળા દ્વારા ડીપીસી (ડાયરેક્ટ પરચેઝ સેન્ટર) શરૂ કર્યા છે. મેનેજર એસીપી નીરવના જણાવ્યા અનુસાર નર્મદામાં ઝરવાની, રાજપીપળા, દેડીયાપાડા, દાંડાવાડી આ ચાર સ્થળોએ ખરીદી-વેચાણ સેન્ટર શરૂ કરાયું છે.
નર્મદા જીલ્લો ઓરેન્જ ઝોનમાં હોવાથી ત્રીજા ચરણનું લોકડાઉન ખુલતા સરકારે મહુડાની ખરીદી-વેચાણની છૂટ આપી હોવાથી હવે આદિવાસીઓએ ઘરમાં ભેગા કરેલા સુકવેલા મહુડા વેચવા સેન્ટર પર સોસીયલ ડિસ્ટન્સ રાખીને છૂટાછવાયા વેચાણ કરવા આવી રહ્યા છે. આદિવાસીઓ માટે રોજગારીનું સાધન ગણાતા મહુડાના ફૂલનાં ભાવ સરકારે કોરોના સંકટમાંથી ઉગારવા પોષણક્ષમ એટલે કે સારા ભાવ આપવાનું નક્કી કરતા 30 રૂ. કિલોનો ભાવ નક્કી કરાયો છે ગત વર્ષે 19 રૂ. સામે કિલોએ 11 રૂપિયાનો ભાવ વધારો આપતા આદિવાસીઓને કોરોના મહામારીના સમયમાં ફાયદો જરૂર થયો છે.
હાલ ઓરેન્જ ઝોનમાં બીજા રાજ્યોમાં છૂટ મળવાથી અને દેશીની બનાવટમાં પણ ગેરકાયદેસર રીતે મહુડાનો ઉપયોગ થતો હોવાથી હાલ મહુડાની ડિમાન્ડ વધી છે. તેથી મહુડાના ફુલ દારૂ બનાવવામાં પણ વપરાય છે, મહુડાનો પહેલી ધારનો દેશી દારૂની ખૂબ ડિમાન્ડ છે. દારૂ ઉપરાંત મહુડાનુ શાક, મહુડાનું તેલ, મહુડાના બિસ્કીટ, મહુડાના આઈસ્ક્રીમ પણ બને છે. જે આરોગ્ય માટે હિતકર ગણાય છે. આ મહુડાના ફૂલ આદિવાસીઓ માટે પૂરક રોજગારીનું સાધન બન્યા છે.

જો કે આદિવાસીઓનું કલ્પવૃક્ષ ગણાતા મહુડાના ફૂલનું હાલ નર્મદામાં ઝરવાણી, રાજપીપળા અને દેડીયાપાડા ખાતે કલેક્શન સેન્ટર પર એકત્રિકરણ થાય છે. વહેલી સવારે આદિવાસીઓ મહૂડાના ફૂલ વીણવા ટોપલો લઈને આવતા શરૂ થાય છે. મહુડા ફૂલ વીણીને તેને સુકવે છે. સુકવીને તેને નિગમને કે પછી એજન્ટને વેચી દે છે. જેના તેઓને રોકડા પૈસા મળે છે. ત્યાર પછી એ ફૂલ ગોડાઉનમાં આવે છે. મહુડાનાં ફૂલ આદિવાસીઓ માટે રોજગારીનું સાધન ગણાય છે મહુડાના ઝાડ પર પહેલા પાન ખરી જાય છે, તેથી ઝાડ બોડકુ થઈ જાય છે. ત્યાર પછી તેને હાથા આવે છે. પછી ફુલ આવવાનું ચાલુ થાય છે. એટલે આદિવાસીઓની સવારે 4 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી ફૂલ વીણવાની પ્રક્રિયા શરૂ થાય છે પછી તેને છાપરા પર સુકવી દે છે અને ત્યાર બાદ તેને વેચી દે છે વન વિકાસ નિગમ ખરીદી લે છે.
જો કે મહુડાનુ એક પરિપક્વ વૃક્ષ એક સિઝનમાં 1 મણ એટલે કે સો કિલો કરતાં પણ વધુ ફૂલ આપે છે મહુડાની એક ખાસીયત છે કે તેના ઉપર એક પણ પાન હોતા નથી એટલે કે સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હોય છે મહુડાનું એક ઝાડ સદીઓ સુધી મજબૂત એવું લાકડું આપે છે કે જેને વહેરતા બેન્સોના પાનાં પણ તૂટી જાય છે મહુડાનું ફળ જેમાંથી તેલ બને છે જે સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ગણાય છે સરેરાશ 7 થી 8 વર્ષ ફળ આપવા તૈયાર થતું અને 15 વર્ષ ભરપૂર ફળો આપતાં મહુડાના વૃક્ષો કાપવા ઉપર સરકારે પ્રતિબંધ મૂકયો છે આદિવાસીઓ માટે કમાવ દીકરો ગણાતો હોવાથી મહુડો આરાધ્ય દેવ તરીકે પુંજાય છે માટે આદિવાસી સમાજ તેની પૂજા પણ કરે છે તેથી તેને ક્યારેક કાપતા પણ નથી.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો નેહા પરમારના જણાવ્યા અનુસાર મહુડાના વૃક્ષો કલ્પવૃક્ષ એટલા માટે ગણાય છે કે તેના ફળ, ફૂલ, પાંદડી છાલ, મૂળિયા, તમામ વસ્તુઓ પશુ તેમજ માનવ, આહાર બળતણ ખાદ્યતેલ તરીકે વપરાય છે. મહુડાના તેલમાંથી સાબુ શેમ્પુ બને છે, તેલ કાઢ્યા પછી નીકળતો ખોડો પણ કેટલાક ફૂડ તરીકે કામમાં આવે છે. મહુડાની છાલમાં આયુર્વેદિક ઔષધ બને છે. શુંકા મહુડામા આંબળા, બહેડા, હરડે સામાન ભાગે લઈ તેનું ચુર્ણ બનાવી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો ગળાના રોગો મટે છે. મહુડાના રસ સાથે મધ મેળવી તેનું અધ્યયન કરવાથી હહેડકે મટે છે. તાજા આ ફૂલોનું શાક પણ બને છે. રક્તપિત્તમાં મહુડાના કાષ્ઠને મધમાં ચાટવાથી ફાયદો થાય છે. આદિવાસીઓ મહુડાના ફૂલને શેકીને ખાય છે, તેના ફુલ વીર્ય, વર્ધક, પૌષ્ટિક, સ્નીધ અને ચીકાશવાળા હોય છે જે પાકેલા ખાવાથી વીર્ય બળમાં વૃદ્ધિ થાય છે.
હવે તો મહુડાના લાડુ અને બિસ્કિટ અને મહુડાનો આઈસ્ક્રીમ પણ બને છે પૌષ્ટિક ગણાતા મહુડાનાને સુકવીને પ્રોસેસિંગ કરીને નાગલી સાથે મિક્સ કરીને દેડિયાપાડાના આદિવાસીઓ મહુડાના બિસ્કીટ બનાવે છે દેડિયાપાડાના એક ગ્રુપે મહુડાના બિસ્કીટ બનાવી વનવિભાગના સૌજન્યથી ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલમાં ભૂલભૂલૈયા વાનગી મેળામાં ભાગ લઇ સારી એવી કામગીરી કરતાં તેને વનવિભાગે બિરદાવી હતી તેની માહિતી આદિ ઔષધી નામની વેબસાઇટ પરના બિસ્કીટની માહિતી મુકાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here