નર્મદા જિલ્લામાં જળસંચય સહિત મનરેગા યોજનાના અંદાજે રૂા. ૧.૨૦ કરોડના ખર્ચેના ૪૧ જેટલાં વિવિધ કામોનો થયો પ્રારંભ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

લોકડાઉનના અમલ વચ્ચે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ-તકેદારી સાથે ગઇકાલથી કામો શરૂ થયા…

જિલ્લામાં સાપ્તાહિક ૩,૦૮૦ માનવદિન રોજગારી પૂરી પડાશે

નાંદોદ તાલુકાના મોવી-બોરીદ્રા ગામે તળાવ ઉંડુ કરવાના કામમાં રોજગારી મેળવતા સ્થાનિક શ્રમિકો

કામના સ્થળોએ પીવાના પાણી, છાંયડો, પ્રાથમિક સારવારની આરોગ્ય સુવિધા સહિત શ્રમિકો માટે છાસ વિતરણની કરાયેલી વ્યવસ્થા

હાલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને લીધે દેશભરમાં હાલના લોકડાઉનના અમલ વચ્ચે નરેગા યોજના હેઠળ જે તે વિસ્તારના સ્થાનિક લોકોને રોજગારીનો લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષશ્રી ડૉ. જીન્સી વિલીયમની રાહબરી હેઠળ જોબકાર્ડ ધરાવતા શ્રમિકોને ઘર આંગણે રોજગારીનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કના ઉપયોગ અને અન્ય જરૂરી તમામ પ્રકારની સાવચેતી-સુવિધાઓ સાથે નર્મદા જિલ્લામાં ગઇકાલથી અંદાજે રૂા. ૧.૨૦ કરોડના ખર્ચના ૪૧ જેટલા વિવિધ કામોનો પ્રારંભ કરાયો છે જેના થકી જે તે ગામના સ્થાનિક શ્રમિકોને સાપ્તાહિક ૩,૦૮૦ માનવદિનની રોજગારી પૂરી પડાશે.

નર્મદા જિલ્લાના નાયબ પ્રોગામ ઓફિસર શ્રી નરેન્દ્ર સિંહ પરમારે જણાવ્યુ હતુ કે, ગઇકાલથી જિલ્લામાં રૂા. ૧.૨૦ કરોડના ખર્ચેના હાથ ધરાયેલા વિવિધ ૪૧ કામોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળ સંગ્રહની ક્ષમતા વધારવા જળસંચયના તળાવ ઉંડુ કરવા, ખેત તલાવડી ,માટીપાળા, કાંશ સફાઇ અને ચેકડેમ ડિસીલ્ટીંગના કામો ઉપરાંત નરેગાના પથ્થરપાળા, લેન્ડ લેવલીગ-જમીન સમથળ અને રસ્તાના કામોનો પ્રારંભ કરાયો છે. જિલ્લામાં ઉક્ત કામોના સ્થળે શ્રમીકો માટે પીવાનું પાણી, છાંયડો, પ્રાથમિક સારવારની આરોગ્ય સુવિધા સહિત છાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાંદોદ તાલુકાના મોવી-બોરીદ્રા ગામના પાળાબંધીના અંદાજે રૂા. ૪ લાખના ખર્ચે ગઇકાલથી તળાવ ઉડું કરવાના કામમાં સ્થાનિક કુલ ૪૧ જેટલાં શ્રમિકો રોજગારીનો લાભ મેળવી રહ્યાં છે.

નાંદોદ તાલુકાના મોવી-બોરીદ્વાના ૪૧ જેટલા લાભાર્થીઓ મનરેગા યોજનાના અંતર્ગત પોતાના ગામમાં આવેલા તળાવ ઉંડુ કરવાના કામમાં માટીકામનું ખોદકામ કરીને ઘર આંગણે જ રોજગારી ઉપલબ્ધ કરવામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબની રકમ દૈનિક મહેનતાણા પેટે ચુકવવામાં આવશે. તદઉપરાંત અહીં કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથોસાથ તમામ શ્રમિકોને માસ્ક પૂરા પડાયા છે અને સેનીટાઇઝેશનની વ્યવસ્થા પણ ગામના સરપંચશ્રી તરફથી કરવામાં આવેલ છે.

નાંદોદ તાલુકાના નરેગા યોજનાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રી શોએબ મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે, ગઇકાલથી મોવી-બોરીદ્રા ગામમાં ૪૧ જેટલા લાભાર્થીઓ હાલ કામ કરી રહ્યાં છે, જેના કારણે લોકોને રોજગારી મળી રહે અને પાણીનો સંગ્રહ પણ થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એક ચોકડીની અંદર માત્ર બે જ વ્યક્તિ કામ કરી શકે તેવી વ્યવસ્થા સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે તેની તકેદારી રખાઇ છે. તદઉપરાંત તમામ લોકો માટે સેનીટાઇઝેશન અને માસ્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

બોરીદ્રા જુથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી અલીન્દાબેન વસાવાએ જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરલને લીધે હાલ લોકડાઉન અમલમાં છે, ત્યારે લોકોને ગામમાં જ રોજગારી મળી રહે તે હેતુસર બોરીદ્રા ગામમાં મનરેગાનુ કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં સેનીટાઇઝેશન અને માસ્ક પણ લોકોને પૂરા પાડવામાં આવ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

બોરીદ્રા ગામના લાભાર્થી શ્રી દલસુખભાઇ બુધાભાઈએ જણાવ્યુ હતું કે, હાલ લોકડાઉનને લીધે અમારી પાસે રોજગારીનુ કોઈ સાધન નહોતું તેવા સમયે સરકારશ્રી દ્વારા મનરેગા યોજના અંતર્ગત અમને ઘર આંગણે જ રોજગારીની તક પૂરી પડાઇ છે, જેથી અમારી આ વ્યવસ્થા બદલ સરકારશ્રીનો હું આભાર માનું છું. બોરીદ્રા ગામના લાભાર્થી શ્રીમતી સાકરીબેન દલાભાઇ વસાવા અને શ્રીમતી વસુલાબેન રણજીતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રોજગારી માટે અમારે પહેલાં બહારગામ જવું પડતું હતું પરંતુ હાલ લોકડાઉનના સમયમાં અમને સરકારશ્રી દ્વારા ગામમાં જ રોજગારી મળી રહે તે માટે ગામમાં જ કામ આપવામાં આવ્યું છે. એટલે અમને કોઇ પણ પ્રકારની મુશ્કેલી નથી અને અમને કામ અપાવવા બદલ અમો સરકારશ્રીનો આભાર માનીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here