નર્મદા જિલ્લાની નોધારાનો આધાર પ્રોજેક્ટના પહેલની રાજ્યસ્તરે લેવાઈ નોંધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં અમલ હેઠળનો અને જન સહભાગીદારી આધારિત “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” રાજ્યના મુખ્ય યાત્રાધામોમાં અમલી  બનશે

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રીએ યોજેલી ૮ જિલ્લા કલેકટરશ્રીઓની બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી શાહે રજૂ કર્યું પ્રેઝન્ટેશન

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ મુખ્ય યાત્રાધામના સ્થળો પર આ પ્રોજેક્ટના અમલ માટે કર્યો ખાસ અનુરોધ

નિરાધાર અકિંચનોને નક્કર આધાર આપવા અને તેમના જીવનને સુવિધા અને ઉત્કર્ષના માર્ગે લઈ જવા, સંવેદનાસભર જિલ્લા કલેકટર શ્રી ડી.એ.શાહની આગવી પહેલ અને વ્યાપક સંકલન આધારિત નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લાએ ઉપર આભ અને નીચે ધરતીની દયનીય હાલતમાં જીવતા લોકોને સમાજ જીવનમાં સ્થાપિત કરવા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” શરૂ કર્યો છે. સરકારી યોજનાઓના લાભો અને સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની સહ ભાગીદારીથી આ પ્રોજેક્ટ હેઠળ સાવ અસહાય લોકોના પુર્નસ્થાપનનું એટલું ઉમદા કામ થયું છે કે રાજ્યના ગરીબો માટે હમદર્દ જેવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રોજેક્ટમાં ઊંડો રસ લીધો છે. હવે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાજ્યના અને પ્રવાસન તથા યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજ્યના મુખ્ય ૮ યાત્રાધામો ખાતે આ પ્રોજેક્ટના અમલની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ગઇકાલે તેમની ખેડા જિલ્લાની મુલાકાત દરમિયાન વિશ્વ વિખ્યાત પ્રવિત્ર યાત્રાધામ ડાકોર મંદિર ખાતે રાજા રણછોડરાયજીની પૂજા-અર્ચના-દર્શન કર્યા બાદ ઠાસરા તાલુકા મથકે પ્રાંત કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યાત્રાધામ સાથે સંકળાયેલા રાજ્યના ૮ જેટલા જિલ્લા કલેકટરશ્રીઓ સાથે સંબંધિત જિલ્લાના દેવસ્થાનો અને મુખ્ય યાત્રાધામોના ટ્રસ્ટીશ્રીઓ સાથે વિવિધ યાત્રાધામના દર્શનાર્થી યાત્રીઓ માટેની જરૂરી સુવિધા વિકસાવવા અને આનુષંગિક અન્ય વ્યવસ્થાઓની ઉપલબ્ધિ સંદર્ભે યોજેલી સમીક્ષા બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ ધ્વારા રાજપીપલામાં PPP ધોરણે અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” નું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ધ્વારા નિદર્શન કરવાની સાથે પ્રોજેક્ટની વિસ્તૃત રૂપરેખા આપી હતી. ઠાસરા ખાતેની બેઠકમાં TCGL ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી જેનું દેવન સહિત જિલ્લા પ્રસાશનના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બનાસકાંઠા, ગીર સોમનાથ, દેવભૂમિ-દ્વારકા, ખેડા-નડીયાદ, જુનાગઢ, ભાવનગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લાના કલેકટરશ્રીઓ સહિતના સંબંધિત અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે અનુક્રમે શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર, શ્રી ગીરનાર મંદિર, શ્રી સોમનાથ મંદિર, શ્રી પાલીતાણા મંદિર, શ્રી દ્વારકા મંદિર, શ્રી શામળાજી મંદિર, શ્રી ડાકોર મંદિર અને શ્રી પાવાગઢ મંદિર ખાતેના યાત્રાધામો ખાતે નર્મદા જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના પ્રાથમિક અમલીકરણ સંદર્ભે જરૂરી ચર્ચા-વિચારણા માટે ઠાસરા ખાતેથી યોજાયેલી ઉક્ત બેઠકના અધ્યક્ષ સ્થાનેથી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું અને “નોંધારાનો આધાર” મોડેલ પ્રોજેક્ટના સુચારૂં અમલ થકી ઉક્ત યાત્રાધામો પરિસર વિસ્તારના જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવરી લઇ તેમનું પુનર્વસન થાય તે દિશામાં કટિબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના અધ્યક્ષપદે ખેડા જિલ્લાના ઠાસરા ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાયેલી ઉક્ત બેઠકમાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ દ્વારા રાજપીપલા ખાતેથી “જેનું કોઇ નહી તેની સરકાર” ની ઉદાત્ત ભાવનાને સાકાર કરતાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના અસરકારક અમલીકરણના ખુબ જ સંવેદનાસભર પાસાંઓ અને અભિગમો તથા અમલીકરણની કાર્ય પધ્ધતિઓનું અસરકારક નિદર્શન પાવર-પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં પ્રોજેક્ટ અંગેની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને SOP-માર્ગદર્શિકા પુસ્તિકાનું પણ પ્રેઝન્ટેશન કરાયું હતું.

ફૂટપાથ પર રઝળપાટ કરી જીવન ગુજારતા નીચે ધરતી અને ઉપર આભની વિકટ પરિસ્થિતિમાંથી જરૂરીયામંદોને ઉગારીને તેમના પુનર્વસન સાથે આત્મનિર્ભર બનાવી રાષ્ટ્રની મુખ્યધારામાં જોડવાની પ્રોજેક્ટની સંવેદનાસભર જોગવાઇઓ સંદર્ભે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં આજદિન સુધી ૮૧ કુટુંબના ૧૩૩ વ્યક્તિઓને ૩ તબક્કામાં ૧૫૦૦ જેટલા વિવિધ લાભો આપીને ૫૩ લાભાર્થીઓનુ સંપૂર્ણ પુનર્વસન કરવામાં આવ્યું છે. શ્રી શાહે આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કામગીરી, અન્ન બ્રહ્મ યોજનાની મંજૂરી સાથે સેન્ટ્રલ કિચન મારફત બે ટંક ભોજન, જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓની કિટ્સ, QR કોડ સહિત વિશિષ્ટ ઓળખકાર્ડ, આરોગ્ય તપાસણી તથા સારવાર, કોવિડ રસીકરણ, દર મહિને વાળ કપાવવાની વ્યવસ્થા, દર અઠવાડિયે નાહવાની, દાઢી કરવાની વ્યવસ્થા તથા નવીન કપડા બદલાવવા જેવી પ્રથમ તબક્કાની કામગીરી બાદ બીજા તબક્કામાં આવક, જાતિનો દાખલો, મતદાર યાદીમાં નામ નોંધણી, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર-ઓળખકાર્ડ- બસપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ, જનધન યોજના હેઠળ બેંક એકાઉન્ટ અને રૂપે કાર્ડ, U-WIN, NDUW કાર્ડ, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને પૂરક પોષણના લાભો બાદ ત્રીજા તબક્કામાં વૃધ્ધ સહાય પેન્શન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, દિવ્યાંગ સાધન સહાય, દિવ્યાંગ પેન્શન સહાય, લાયક બાળકોને આંગણવાડી અને શાળામાં પ્રવેશ, શૌચાલય સુવિધા, રોજગારલક્ષી તાલીમ બાદ સલાહ/મદદ, માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજના હેઠળ સ્વરોજગાર કિટ્સ અને આવાસ સહિતના વિવિધ સરકારી યોજનાકીય લાભો પુરા પાડવામાં આવતી હોવાની જાણકારી તેમણે આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સાથે ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, જિલ્લા આશ્રમ શાળા અધિકારીશ્રી એસ.એમ.ગરાસીયા, નોંધારાનો આધાર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તેજશભાઇ ગાંધી, ગુંજનભાઇ મલાવીયા, કૌશલભાઇ કાપડીયા, દિપકભાઇ જગતાપ, કમલેશભાઇ પટેલ, સુરેશભાઇ વસાવા સહિત નાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here