જ્યારે પંચમહાલનું શેલ્ટરહોમ હૈપ્પી બર્થ઼-ડેના અવાઝોથી ગૂંજી ઉઠ્યું…..

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

દિકરીના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરવાની પરપ્રાંતીયની ઈચ્છા પૂરી થઈ

બજારમાં કેક ઉપલબ્ધ ન હોવાથી માં કૃપા સહાય જૂથે ઘરે કેક બનાવી

ચોકલેટનું વિતરણ કરી નાનકડી હંસિકાનો જન્મ દિવસ યાદગાર બનાવ્યો

‘અગર હમ ઘર પે હોતે તો કેક કાટકે બેટી કા બર્થ-ડે મનાતે….’ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સુરેશભાઈએ અવાજમાં થોડી નિરાશા સાથે ચંચેલાવ ખાતે આવેલા શેલ્ટર હોમમાં ફૂડ પેકેટના વિતરણની કામગીરી કરતા ભક્તિબેન પંચાલને જણાવ્યું ત્યારે ભક્તિબેન પણ ઘડીક મૂંઝવણમાં પડી ગયા. સુરેશભાઈ નિશાદે જણાવ્યું હતું કે આવતીકાલે તેમની દિકરી હંસિકા (પારૂલ) એક વર્ષની થશે. તેઓ તેનો જન્મદિવસ ઉજવવા માટે ઘણા ઉત્સાહી હતા પરંતુ લોક ડાઉનમાં દિકરીનો પ્રથમ દિવસ ઉજવી નહીં શકાય તેનો અફસોસ સુરેશભાઈના શબ્દોમાં છલકતો હતો. ભક્તિબેને આવીને મા કૃપા જૂથના સાથીઓ અને પરિવારને વાત કરી. ભક્તિબેન અને મિત્રોએ નક્કી કર્યું કે સુરેશભાઈની દિકરીનો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા અધૂરી નહીં રહેવા દઈએ. જો કે પછી પ્રશ્ન આવ્યો કેકનો. લોક ડાઉન દરમિયાન કેક મળવી મુશ્કેલ હતી. ભક્તિબેનની દિકરીઓએ એનો પણ હલ શોધી કાઢ્યો. યુટ્યુબની મદદથી ઘરે કેક બનાવવાની રેસીપી શીખી જરૂરી સામાન મેળવી તેમણે ઘરે જ એક સુંદર મજાની કેક તૈયાર કરી નાંખી. 24મી એપ્રિલે બપોરના લંચ પહેલા શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા શ્રમિકો અને પરપ્રાંતીયોના આશ્ચર્ય વચ્ચે એક ટેબલ પર કેક ગોઠવવામાં આવી. ચોકલેટ લાવવામાં આવી. કોવિડ-19 સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ લોકો અંતર જાળવી ઉભા રહ્યા હતા. સુરેશભાઈ અને તેમના પત્ની ગુડિયાબેન તેમની દિકરીના જન્મદિવસ માટે આ બધી તૈયારીઓ જોઈ ભાવવિભોર થઈ ગયા હતા. બધાએ ભેગા મળી હેપ્પી બર્થ ડેના આનંદિત ગાન વચ્ચે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. નાના બાળકોને કેક તેમજ મોટેરાઓને ચોકલેટ આપીને વહીવટીતંત્રના સહયોગથી મા કૃપા જૂથે નાનકડી હંસિકા (પારૂલ)નો જન્મદિવસ યાદગાર બનાવી દીધો હતો. બાળકીના માતાએ જણાવ્યું હતું કે અમને કલ્પના ન હતી કે પારૂલનો જન્મદિવસ આટલો સરસ રહેશે. તેમણે આ આયોજન માટે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકીના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે 31મી માર્ચથી અહીં છીએ.સરકારે અમને અહીં ખાવા-પીવા, રહેવા-જમવાની સુવિધા તો સરસ પૂરી પાડી જ છે પરંતુ જન્મદિવસની ઉજવણી જેવી નાની બાબતનું પણ ધ્યાન રાખીને અમારૂ મન જીતી લીધું છે. ગોધરાના પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને મામલતદારશ્રીને જાણ થતા તેઓ પણ આનંદની આ ક્ષણમાં સહભાગી થયા હતા અને બાળકીને ફૂલો અને ભેટ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકીના જન્મદિવસની ઉજવણી સમગ્ર શેલ્ટર હોમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. લોક ડાઉન દરમિયાન પંચમહાલ જિલ્લામાં અટવાઈ ગયેલા શ્રમિકો અને પરપ્રાંતીયો માટે પાંચ સ્થળોએ શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં ચંચેલાવ અને સંતરોડ ખાતેના બે આશ્રયસ્થાનોમાં કુલ 173 પરપ્રાંતીયો આશ્રય લઈ રહ્યા છે. તેમની ખાવા-પીવા, રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા તંત્ર મારફતે ગોઠવવામાં આવી છે, જ્યાં તેમનું નિયમિત રીતે કાઉન્સેલિંગ તેમજ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here