જિલ્લાનાં કોરોના વોરિયર્સને અપાયું પોલિસ બેન્ડ દ્વારા સૂરીલું સન્માન..

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

100 કરોડ રસીકરણની સિદ્ધિની અનોખી ઉજવણી

આરોગ્યકર્મીઓને  બિરદાવવા સરદારનગર ખંડ, ગોધરા ખાતે પોલિસ બેન્ડે મધુર ધૂનો રેલાવી

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલિસ વડાશ્રીએ ઉપસ્થિત રહી પ્રદાનને બિરદાવ્યું

કોરોના સામેની લડતમાં નાગરિકોને સુરક્ષિત કરવા માટે થઈ રહેલા રસીકરણના અભિયાનમાં સિમાચિન્હરૂપ સિદ્ધિ આજે દેશે મેળવી હતી. રસીકરણની શરૂઆતથી અત્યારસુધી કુલ 100 કરોડ ડોઝ દેશના નાગરિકોને અપાઈ ગયા છે. જેની ઉજવણીના ભાગરૂપે કોરોના સામેની લડતમાં અવિસ્મરણીય કામગીરી બજાવનારા આરોગ્ય કર્મીઓ અને કોરોના વૉરિયર્સને સરદાર નગર ખંડ, ગોધરા ખાતે પોલિસ બેન્ડ દ્વારા મધુર સૂરાવલીઓ રેલાવી અનોખી રીતે સન્માનવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ સહિત કોરોના વિષયક ફરજ બજાવનાર અધિકારીઓ-કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ તેમજ જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે ઉપસ્થિત રહી તેમના પ્રદાનને બિરદાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કોરોના વોરિયર્સે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી કોરોના અને રસીકરણ સંબંધિત કામગીરી કોઈ પણ બ્રેક લીધા વગર, થાક્યા વગર કરતા રહીને સામાન્ય જનતાને સુરક્ષિત કરવાના અભિયાનમાં જે અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેને વધાવવાનો આ એક પ્રયાસ હતો. પોલિસ બેન્ડ દ્વારા કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર.. સહિતના વિવિધ ગીતોથી સમગ્ર વાતાવરણ એક અનેરા ઉત્સાહથી ભરાઈ ગયું હતું. કોરોના વોરિયર્સ પણ 100 કરોડ રસીકરણની સિદ્ધિથી ઉત્સાહિત થઈને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષીબેન ચૌહાણ, સીડીએમઓ ડો. મયૂરીબેન શાહ, ડો. એમ. પીસાગર, ડિવાયએસપીશ્રી સી. ખટાણા, એડીએચઓ ડો. જે.પી. પરમાર, આરસીએચઓ ડો. પી.કે.શ્રીવાસ્તવ, ડો. બી.કે. પટેલ સહિત આરોગ્ય વિભાગ-સિવિલના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here