ગોધરા નગરમાં રાજકીય પક્ષના ચિન્હ હેઠળ ફરતી બે-કાર વિમલ,ગુટખા અને તમાકુની હેરાફેરીમાં સક્રિય હોવાની લોકચર્ચા…!!

ગોધરા (પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

લોકડાઉનમાં રાજકીય પક્ષના ચિન્હનો લાભ લઇ વિમલ,ગુટખા અને તમાકુની હેરાફેરી કરતા બે રાજકીય માથાઓ અને નામચીન સટોડીઓ પોતાની પાર્ટીના રડાર પર…જવાબદાર હોદ્દેદારોએ મોવડી મંડળમાં ફરિયાદ કરી હોવાની ચર્ચા

બામરોલી રોડ જેવા “રોયલ” વિસ્તારમાં રેહતા રાજકીય માથાના નામની પોતાના જ સમાજમાં થું…થું…!! આજે સમગ્ર વિશ્વ માનવતાની રાહે…જ્યારે લોભિયાઓ વ્યાસનના વેપારની વાટે…

વિધિનો વિધાન જુઓ… આંકડા-જુગારના ધંધામાં ગરીબોના હક્ક છીનવી કરોડોની તુમાખી કરનારા આજે દેવામાંથી બહાર આવવા પાંચ રૂપિયાની પડીકી,ગુટખાના સહારે…

આજે સમગ્ર વિશ્વ સહીત ભારત પણ કોરોનાના પ્રકોપથી પીડાઈ રહ્યું છે, દુનિયાનો દરેક માનવી વાયુવેગે વધી રહેલા કોરોનાના કહેરથી ભયભીત જોવા મળી રહ્યો છે. આવા કપરા સમયમાં સાવચેતી રાખવી એ દરેક માનવીની નૈતિક જવાબદારી છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનને ત્રીજા ચરણનું સ્વરૂપ આપી દીધું હતું અને હાલ એ ત્રીજા તબક્કાના લોકડાઉનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે માટે આવનાર સમયમાં લોકડાઉનનું સમયકાળ વધારવું કે પછી અમુક શરતોને આધીન આત્મનિર્ભરતા મુજબ લોકડાઉનમાં છૂટછાટ આપવી એ સરકાર દ્વારા વિચારાધીન પ્રશ્ન છે…!! પરંતુ આવા કપરા સમયમાં લાલચુ અને જન્મથી જ સભ્ય સમાજમાં ગંદકી રેડનારા અમુક બહેરૂપિયાઓ આજે પણ વિમલ,ગુટખા અને તમાકુના વ્યસનનો વેપાર ધમધમાવી રહ્યા હોવાની ખબરો રાજ્યભરમાંથી આવી રહી છે. જ્યારે રોજે-રોજ પોલીસ મહામહેનત કરી લાખો રૂપિયાના વિમલ,ગુટખા અને તમાકુની બનાવટના માલને ઝડપી પાડતી હોય છે તેમછતાં ખોટું કરવાની આદતે ટેવાયેલા અસામાજિક તત્વો રૂપ બદલીને કે પછી સત્તાની આડમાં પોતાના કાંડને અંજામ આપતા હોય છે.

મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરનો કોરનાના કહેરના કારણે રેડ ઝોનમાં સમાવેશ થયો છે અને રેડ ઝોન હોવાના કારણે હાલ નગરમાં લોકો માટે જાહેર રોડ-રસ્તાઓ પર ફરવું મુશ્કેલ જ નહી નામુમકીન બની ગયું છે અને જો કોઈ વ્યક્તિ વગર કારણે ઘર બહાર નીકળે છે તો પોલીસના હાથે ચઢતા જ એવા જોર-જોરથી “મોર” બોલે છે કે બીજી વખતે કોઈ બહાર ફરવાની હિંમત જ નથી કરી શકતો…!! તેમ છતાં એક જુના મોડલની સફેદ આઈ ટેન તેમજ એક રીત્ઝ્ક કાર રાજકીય પક્ષના સિમ્બોલ હેઠળ બામરોલી રોડથી નીકળી નગરના અનેક વિસ્તારોમાં વિમલ,ગુટખા અને તમાકુનો માલ પહોંચાડતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, અને ત્યાર બાદ બારે માસ નદી-નાળામાં બદબૂદાર કીડાની જેમ આંક-ફરકનો એટલે કે આંકડા-જુગારનો ધંધો કરતા અમુક અસામાજિક તત્વો પાંચ રૂપિયાના ભાવની વિમલને ૨૫ રૂપિયામાં અને પાંચ રૂપિયાની મિરાજ ૪૦ ના ભાવે વેચતા થઇ જાય છે.

લોક ચર્ચા મુજબ ગોધરા નગરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ટેમ્પો ભરીને વિમલ,ગુટખા અને તમાકુનો માલ આવ્યો છે. અને એમાંથી અમુક માલ તો ડુપ્લીકેટ પણ છે, લોકોમાં એવી પણ ચર્ચા છે કે આવેલ ત્રણ ટેમ્પોના માલમાંથી એક ટેમ્પોનો માલ માર્કેર્ટિગ યાર્ડ આગળ એક ખ્યાતનામ પ્રોવીજન સ્ટોર ધરાવતા વ્યક્તિનો હતો અને એ માલ માર્કેર્ટિગ યાર્ડની આજુબાજુના વિસ્તારમાં ખાલી કરવામાં આવ્યો છે. તેમજ ગોધરાના બે રાજકીય માથા અને એક સટ્ટાકિંગનો વિમલ, ગુટખા અને તમાકુની બનાવટનો માલ જાફરાબાદથી ગોવિંદી જવાના રસ્તા પર કોઈ ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની પણ ભાર પૂર્વક ચર્ચાઓ ચાલી રહી છે.

૨૫ માર્ચના ઉગતા સુરજની સાથે લોકડાઉનની અમલવારી થતા સમગ્ર દેશ સહીત ગોધરા નગરના પણ પૈડા થંભી ગયા હતા અને થોડા જ દિવસમાં કોરોનાના વધતા સંક્રમણને રોકવા તેમજ જાહેર માર્ગો પર થૂંકવાનું બંધ થાય એવા જનહિતાર્થે રાજ્ય સરકારે વિમલ,ગુટખા અને તમાકુની બનાવટ તેમજ વેપાર પર સદંતર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેના કારણે બદ ઈરાદે બારે માસ ખોટા ધંધા કરનારાઓની પાંચે આંગળીઓ ઘી માં લથપથ થઇ ગઈ છે. અને રાજકીય સિમ્બોલ લઈને ફરતા આ બે પગલુંછણીયા સહીત ખાનદાની સટોડીયો પણ માલામાલ થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here