ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

લોકસાહિત્ય, પત્રકારત્વ, સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતનાં વિવિધ ક્ષેત્રે શ્રી ઝવેરચંદ મેઘાણીનું અમૂલ્ય યોગદાન – રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર

નગરનાં સરદાર નગર ખંડ ખાતે રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી મેઘાણી રચિત વિવિધ ગીતોનો સંગીત ગ્રુપ દ્વારા સરસ પ્રસ્તૃતિનો દર્શકોએ રસાસ્વાદ માણ્યો હતો. રાજ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં મેઘાણીજીના જીવનકવનનો દર્શકોને વિસ્તૃત પરિચય આપ્યો હતો.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના વિવિધ ક્ષેત્રે યોગદાનને યાદ કરતાં રાજ્યમંત્રી શ્રી પરમારે જણાવ્યું કે, મેઘાણીજી એટલે ગુજરાતી સાહિત્યનું શિરમોર નામ અને ગુજરાતી સાહિત્યનું વિરાટ વ્યક્તિત્વ. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક અને સાહિત્યકાર હતા. તેમણે સૌરાષ્ટનાં ગામડાઓ, કસ્બાઓ, ખૂણુખૂણેથી લોકગીતોના મોતી એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.
સત્યાગહ સગ્રામમાં તેમના પ્રદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તેમના શૌર્યગીતો ‘સિંધુડો’ માટે તેમને બે વર્ષનો કારાવાસ થયો હતો. ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં જતા હતા ત્યારે તેમણે લખેલું ‘છેલ્લો કટોરો આ ઝેરનો’ કાવ્ય ગાંધીજીના અંતરતમનો પડઘો ઝિલતું હતું. એમના સર્જનમાં વતનપ્રેમ ભારોભાર જોવા મળતો હતો.
આ પ્રસંગે તેમણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, શિવાજીનું હાલરડું સહિતના કાવ્યોને યાદ કર્યા હતા અને સાહિત્ય, પત્રકારત્વ, લોકસાહિત્ય સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રદાનની વિગતે વાત કરી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાહિત્યકાર શ્રી મેઘાણીના જીવનકવન પર દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેનો દર્શકોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે શ્રી મેઘાણીજી રચીત પુસ્તકોના સેટ જિલ્લા તેમજ તાલુકા ગ્રંથાલયોને વિતરીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લાનાં જાણીતા સંગીત ગ્રુપ દ્વારા શ્રી મેઘાણી રચિત ગીતોની ભાવસભર પ્રસ્તૃતિ કરવામાં આવી હતી. જેનો દર્શકોએ રસપૂર્વક માણ્યા હતા.
આ વેળાએ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, શ્રી ગુરૂગોવિંદ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here