કોરોનામાં માતા-પિતાનું મૃત્યુ થયું હોય અથવા માતા-પિતા સારવાર હેઠળ હોય તેમના બાળકોની સારસંભાળ સરકારી બાળ સુરક્ષા સંસ્થાઓ રાખશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં 0 થી 18 વર્ષના બાળકોના માતા-પિતા અથવા કોઈ એક વાલીનું કોવિડ-19ના કારણે અવસાન થયેલ હોય અથવા કોરોના પોઝિટીવ હોય અને હોસ્પિટલમાં દાખલ હોય અને જે બાળકોની સાર-સંભાળ માટેની કોઈ વ્યવસ્થા ન હોય તેવા બાળકોના સાર-સંભાળ માટે બાળ સંભાળ સંસ્થાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની 6 થી 18 વર્ષના છોકરાઓ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પથ્થર તલાવડી, અંકલેશ્વર મહાદેવ રોડ, નારી કેન્દ્ર સામે, ગોધરા (ઓફિસ 02672-241493, મોબાઈલ નંબર- 7046163918) તથા 6 થી 18 વર્ષની છોકરીઓ માટે નિર્મળ સેવા મંડળ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, અરાદ રોડ, પ્રતાપપુરા, હાલોલ (મોબાઈલ નંબર- 9426608290) અને 0 થી 6 વર્ષના બાળકો માટે સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પથ્થર તલાવડી, અંકલેશ્વર મહાદેવ રોડ, નારી કેન્દ્ર સામે, ગોધરા ( ઓફિસ- 02672-241493, મોબાઈલ નંબર- 7383639590)ને બાળ સંભાળ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. બાળકની સાર સંભાળ લઈ શકે તેમ ન હોય તેવા બાળકોની જરૂરી આરોગ્ય તપાસ અને ચકાસણી કરાવીને બાળકોને વેલ્ફેર કમીટીની મંજૂરી મેળવી જરૂરિયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવામાં આવશે. કોરોના વાયરસના ચેપના કારણે કોઈ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કમનસીબે મૃત્યુ પામ્યા હોય અને આવા સંજોગોમાં તે બાળકને તેના કોઇ નજીકના સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય અથવા કોઇ બાળકના માતા અથવા પિતા અથવા બન્ને કોરોના વાઇરસના ચેપની સારવાર હોસ્પીલમાં લઇ રહ્યાં હોય અને તે બાળકને તેના કોઇ સગા સબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય તો આવા સંજોગોમાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં ૦ થી ૧૮ વર્ષના બાળકોને કાળજી અને સાર સંભાળ માટે મોકલી શકાશે. બાળ સંભાળ સંસ્થાઓમાં આવા બાળકોને જમવા, રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિશુલ્ક આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here