કાલોલ નગરના નવાપુરામાં અગાઉ પોઝીટીવ બનેલા ફરસાણના વેપારીની પત્નીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરના નવાપુરા વિસ્તારના ૫૧ વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા નવાપુરામાં ફફડાટ ફેલાયો હતો. આ કોરોના અસરગ્રસ્ત મહિલાએ અગાઉ ગત ૨૪/૬ના રોજ નવાપુરાના રહીશ અને બસ સ્ટેન્ડ પાસે ફરસાણની દુકાન ધરાવતા ચેતનભાઈ કાછીયા નામના વેપારીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના દશમા દિવસે તાજેતરમાં શુક્રવારે સવારે તેમની પત્ની નિશાબેન ચેતનભાઈ કાછીયાને પણ સંક્રમણની અસર વર્તાતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સંક્રમણ અંતર્ગત અગાઉ તેમના પતિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમની પત્નીને તાજપુરા સ્થિત સરકારી ક્વોરન્ટાઇન હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં કવેરોન્ટાઈન દરમિયાન તેમનો કોરોના સેમ્પલ નેગેટિવ આવ્યો હતો જેથી તેમને કવેરોન્ટાઈન પિરીયડના અંતે ચાલુ સપ્તાહે ઘેર પરત મોકલ્યા હતા. પરંતુ ઘેર આવ્યા પછી નિશાબેનની તબિયત નાદુરસ્ત બનતા પુનઃ તાજપુરા હોસ્પિટલમાં તેમના કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમની તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ નવાપુરા વિસ્તારમાં રહેતા ૫૪ વર્ષિય વેપારી ચેતનભાઈ કાછીયા હાલ વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર હેઠળ છે જ્યારે તેમની પત્ની નિશાબેન કાછીયાને તાજપુરા સ્થિત સરકારી કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં આ સાથે ૧૨ મો પોઝીટીવ કેસ નોંધાયો હતો, જે પૈકી એકલા નવાપુરામાં જ આ ચોથો પોઝીટીવ કેસ નોંધાતા ચાર કેસો પૈકી એક મોત અને એક રિકવર સાથે હાલમાં પતિ-પત્ની બંને સારવાર હેઠળ હોવાને પગલે નગરમાં સમગ્ર નવાપુરા વિસ્તાર કોરોના ઝોન વિસ્તાર હોવાનો ભય પ્રસર્યો હતો. જ્યારે સમગ્ર કાલોલ તાલુકામાં કુલ ૨૦ કોરોના કેસો પૈકી ૨ મોત અને ૧૩ ડિસ્ચાર્જ પછી હાલમાં ચાર કોરોના દર્દીઓ સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here