એસ.ટી. બસ ફાજલ પડી હોવા છતાં શ્રમિકો પાસેથી વસુલાય છે મોંઘાદાટ ભાડા…!?

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

ખાનગી વાહનોમાં મજુરો પાસેથી વસુલાય છે ૧૦૦૦ થી ૧ર૦૦ રૂપિયા ભાડું !? : હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં લોકડાઉન ત્રીજા તબક્કામાં છે ત્યારે છેલ્લા ૪૪ દિવસથી દેશ સહિત રાજયના જુદાજુદા વિસ્તારોમાં પોતાના માદરે વતન જવા માટે મજુરો લાચાર બન્યા છે. એકબાજુ ખાવાના સાંસા તો બીજુ બાજુ કામધંધા ઠપ્પ. રોજે રોજનું કમાઈને ખાતા લાખો શ્રમિક પરિવારો પીસાઈ રહ્યા છે. ત્યારે તેમના વતનમાં મોકલવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આજે હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારે કોરોના વાયરસને કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ પ્રદેશ કે રાષ્ટ્ર નથી તેવું જ
માનવીના પેટની ભુખને પણ કોઈ ધર્મ, જાતિ પ્રદેશ નથી. આવી મહામારી વચ્ચે દેશના શ્રમજીવી પરિવાર મજુરો આખરે મહામુશ્કેલીમાં મુકાયા છે. દાકતરી મેડીકલ સર્ટીફિકેટ મેળવ્યા છતાંય પોતાના માદરે વતન જવા માટે આશ લગાવી બેઠેલા ગરીબ મજુર પરિવારો પોતાના વતન કયારે પહોંચશે ? તે એક યક્ષ પ્રશ્ન બની જવા પામ્યો છે. ત્યારે પોતાના વતન જવા માટે ટળવતા શ્રમિક પરિવારો માટે રાજય સરકાર દ્વારા એસ.ટી. બસ ફાળવવામાં આવે તેવી હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના વાયરસની ભયંકર મહામારીના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરો ફસાઈ ગયા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ અસંખ્ય પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા માટે આશ લગાવી બેઠા છે. ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા ખાનગી વાહનો તેમજ લકઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ મોટી રકમનું ભાડું વસુલી શ્રમિક પરિવારોને સરેઆમ લુંટવામાં આવી રહ્યું છે. તો સાથે જ સરકારી એસ.ટી. બસ ફાજલ પડી હોવા છતાં ખાનગી બસોની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને મજુરોને રૂ.૧૦૦૦થી ૧ર૦૦ ભાડું ચુકવવું પડે છે અને સરકાર દ્વારા કોઈ લાભ મળતો નથી. આ તકે હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલા, હેંમતભાઈ રાવલ, વાસુદેવભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, દેવાભાઈ ભરવાડ, હિંમાશુ મહેતા સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.

મજુરોને માટે ટ્રેન તેમજ બસની વ્યવસ્થા કરવા ધારાસભ્યએ ગૃહપ્રધાનને કરી રજુઆત

મોરબી જિલ્લામાં મજુરી કામ અર્થે આવેલા શ્રમિક પરિવારો માટે પોતાના વતનમાં જવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી અગવડતા પડી રહી છે ત્યારે મજુરો માટે બસ અથવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ ગૃહપ્રધાન અમિતભાઈ શાહ તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here