હળવદના સામતસર સરોવરમાં ગેરકાયદેસર રીતે માછલી પકડવાની ઝાળી મળી આવતા ચકચાર…

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

હળવદની શાન એવા ઐતિહાસિક અને પૌરાણિક સામતસર સરોવરમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા માછલી પકડવાની ઝાળી ગેરકાયદેસર રીતે બિછાવી હોવાની જીવદયા પ્રેમીઓને જાણ થતાં હળવદ વાસીઓ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
હળવદનું સમતસર તળાવ સૌરાષ્ટ્રના સૌથી મોટા તળાવોમાનું એક તળાવ છે અને નર્મદા અને વરસાદના નીરથી બારેમાસ ભરાયેલું રહે છે અને નૈૈૈસર્ગિક સુંદર વાતાવરણના લીધે અહીં તળાવમાં દેશ તથા વિદેશના પક્ષીઓ આવતા હોય છે અને બારેમાસ પાણી હોવાના લીધે પાણીમાં વસવાટ કરતા જીવો પણ ખૂબ મોટી સંખ્યામાં હોય છે ત્યારે આજે જીવદયા પ્રેમીઓ માછલીઓને લોટ – રોટલી અન્ય ખાદ્ય પદાર્થ ખવડાવવા માટે ગયા હતા ત્યારે શરણેશ્વર મંદિરથી હરીદર્શન હોટલ વાળા રસ્તા પર આવેલ નાળાની નીચે પાણીમા કોઈ અજાણ્યા અસામાજિક નરાધમોએ પાણીની અંદર વસવાટ કરતા માછલી સહિતના અબોલ જીવોને પકડવા માટે ઝાળી બિછાવી હતી તે આ જીવદયા પ્રેમીઓના ધ્યાને આવતા આ ઝાળી બહાર કાઢતા ઘણીબધી માછલીઓ ઝાળીમાં ફસાયેલી જોવા મળી હતી. ત્યારે આ માછલીઓને તરત જ જીવદયા પ્રેમીઓ દ્વારા ફરી તેમને પાણીમાં મુક્ત કરી નવજીવન બક્ષીયું હતું પણ આ કૃત્યથી હળવદના જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે અને તંત્ર આવા નરાધમ તત્વોને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને પણ તળાવ આસપાસ ઝાળી દેખાઈ તો તે સતર્કતાથી ઝાળીમાં રહેલ અબોલ જીવોને બચાવવાનું ભગીરથ કાર્ય કરે તેવી જીવદયા પ્રેમીઓએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here