હળવદના રણકાંઠા વિસ્તારમાં તીડનો આક્રમણ : ખેડૂતોનાં જીવ પડીકે બંધાયા…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

હળવદ તાલુકાના ઈશનપુર, રણમલપુર, માલણીયાદ, ધણાદ સહિતના રણકાંઠા વિસ્તારના ગામોમા તીડના ઝુંડ ત્રાટકતા ખેડૂતોમાં દોડધામ

ખેડૂતોએ થાળી, તગારા ખખડાવી તીડને ભગાડવાના કર્યા પ્રયાસ

મોરબી જીલ્લામાં કોરોનાની સાથે તીડનો ખતરો હવે ખેડૂતો પર મંડરાયો છે. ત્યારે હળવદ તાલુકાના ઈશનપુર, રણમલપુર, માલણીયાદ, ધણાદ સહિતના રણકાંઠા વિસ્તારના ગામોમાં તીડના ઝુંડ ત્રાટકતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે ખેડૂતોએ તીડને ભગાડવા વાસણ અને તગારા ખખડાવતા ભગાડયા હતા.
કોરાનાકાળમાં ખેડૂતો પર આફત સમી રહી નથી ત્યારે વધુ એક આફત હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં તીડના ત્રાટકવાથી ખેડૂતો ભારે ચોંકી ઉઠયા છે. તો સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા બાજુથી આ તીડ આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઉપરાંત હળવદના રણકાંઠાના વિસ્તાર ગણાતા ઈશનપુર, રણમલપુર, માલણીયાદ, ઘણાદ સહિતના ગ્રામ્ય પંથકમાં તીડનો આક્રમણ થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.
તો બીજી તરફ ખેડુતોએ થાળી, ડોલ વગાડી તીડને ભગાડવાના પ્રયત્ન હાથ ધર્યા છે અને તીડના આક્રમણના કારણે ખેતીવાડી વિભાગ દ્વારા તીડના લોકેશનનું મોનીટરીંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જો અન્ય ગામમાં તીડના ઝુંડ ખેતીવાડી કે સેઢે દેખાય તો ગામના સંરપચ કે ગ્રામ સેવકને તાત્કાલિક જાણ કરવામાં આવે તેવી સુચના અપાઈ છે.
રણકાંઠા પંથકના વિસ્તારમાં તીડનો પ્રકોપ વર્તાતા હળવદ મામલતદાર વી.કે. સોલંકી, ટીડીઓ અમીતભાઈ રાવલ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને દવાના છંટકાવ સાથે વધુ કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here