શહેરા : ધોમ-ધકતા તડકામાં હજુ પણ દેખાઈ આવે છે વગર બાધાએ પગપાળા જતા પરપ્રાંતિયો….!!

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

હાલોલ-શામળાજી હાઇવે ઉપર શહેરા નગરમાં અમુક સેવાભાવી માણસોએ પગપાળા જઈ રહેલ પરપ્રાંતિયોને ઊભા રાખીને નાસ્તો આપ્યો..

આપવીતી જણાવતા પરપ્રાંતીય ગયાલાલની આંખમાંથી આંસુ વહી ગયા…તંત્ર દ્વારા જે મદદ મળવી જોઈએ તે ના મળતી હોવાનું જણાવ્યું..

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ભૂતકાળના તમામ ઇતિહાસોને ઝાંખા કરી નાખ્યા છે. કોરોનાના માનવભક્ષી કહેરે દુનિયાના ખ્યાતનામ એવા ચીન,ઇટલી,ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોને ઘૂંટણે પાડ્યા છે અને હાલ ભારતના ખૂણે-ખૂણામાં પોતાનો પ્રકોપ ઠાલવી રહ્યો છે જેના કારણે દેશમાં ઉગતા અને આથમતા સુરજની સાથે દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારત દેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમજ સરકારે પણ લોકડાઉનને ત્રીજા ચરણનું સ્વરૂપ આપી દીધું છે. આજે માનવ જીવન માટે લોકડાઉન એક માત્ર વિકલ્પ છે તેમછતાં અનેક લોકો લોકડાઉનથી બેરોજગાર થયા હોવાની બુમો પાડી રહ્યા છે. જ્યારે કેટલાય લોકો લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી આજદિન સુધી પોતાની કર્મભૂમિ છોડી માદરે વતન પરત ફરવાની જીદે ચઢ્યા છે તેમજ અમુક લોકો તો પગપાળા પ્રવાસ કરી હજુ પણ રસ્તે જતા-આવતા દેખાય આવે છે. આવા જ પગપાળા પ્રવાસીઓનું એક જૂથ સામે આવતા હ્રદય ધ્રુજી ઉઠ્યું હતું.

અમારા પ્રતિનિધિ થાકી મળતી માહિતી મુજબ આજરોજ શહેરા નગરમાંથી પસાર થતાં હાલોલ શામળાજી હાઇવે માર્ગ ઉપર મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ પગપાળા રાજસ્થાન બોર્ડર તરફ જતા જોવા મળી રહ્યા હતા. તમામ પરપ્રાંતીઓ પાછલા ત્રણ દિવસથી પગપાળા ચાલતા જતા હોવાથી પગમાં છાલા પડતા તેઓને ચાલવામાં તકલીફ પડી રહી હતી. હાલની કપરી પરિસ્થિતિ વચ્ચે વતન જવાને લઈને આ તમામ પરપ્રાંતીઓ સતત પગપાળા ચાલી રહ્યા છે. અમુક સેવાભાવી માણસોએ પગપાળા જઈ રહેલ પરપ્રાંતિયોને ઊભા રાખીને નાસ્તો આપ્યો હતો. જ્યારે તેમની આપવીતી જણાવતા પરપ્રાંતીય ગયાલાલના આંખમાંથી આંસુ વહી ગયા હતા સાથે તંત્ર દ્વારા જે મદદ મળવી જોઈએ તે ના મળતી હોવાનું જણાવ્યું હતું. નાસ્તો કર્યા બાદ આ તમામ પરપ્રાંતીઓ પગપાળા રતનપુર બોર્ડર તરફ જવા નીકળી ગયા હતા. મહત્વની વાત એ છે કે હાઈવે માર્ગ ઉપરથી પસાર થતા આ પરપ્રાંતીઓ પર કોઈ અધિકારીની નજર નહીં પડી હોય તેમજ આ પરપ્રાંતિયોને તકલીફ પૂછવાનો પણ તંત્રના અધિકારીને સમય ના હોય તેમ લાગી રહ્યું હતું. કોરોના કહેરની મહામારી વચ્ચે પરપ્રાંતીઓની હાલત કફોડી બની છે ત્યારે સરકાર પરપ્રાંતીઓની વહારે આવે તે પણ હાલની પરિસ્થિતિને દેખતા જરૂરી લાગી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here