રાજ્ય સરકારની મનરેગા યોજનામાં ઇ- ટેન્ડરીંગના નિર્ણયનો કોગ્રેસ MLA એ કર્યો વિરોધ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નાંદોદ વિધાનસભા ધારાસભ્ય પી ડી વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી સરપંચોના હક્કોની હિમાયત કરી

ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરિંગ ઓનલાઈન પદ્ધતિ મુદ્દે નર્મદા જિલ્લામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે. અગાઉ જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ નિરંજન વસાવાએ સરપંચો સાથે આ મુદ્દે વહિવટી તંત્રને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરિંગ રદ કરવા રજૂઆતો કરી હતી. તો હવે નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સીધા જ સીએમ રૂપાણીને આ મામલે ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.

ગ્રામ પંચાયતની દેખરેખમાં જ કામ રાખવાની માંગ

ધારાસભ્ય પી.ડી.વસાવાએ CM રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં મનરેગાના કામો માટે નર્મદા જીલ્લા પંચાયત દ્વારા માલ સામાન સપ્લાયની કામગીરી ઈ-ટેન્ડરીંગ પધ્ધતિ ચાલુ કરી છે. જેનો નર્મદા જીલ્લાના સરપંચો વિરોધ કરી રહયા છે. કારણ કે પાછલા વર્ષોમાં તાલુકા કક્ષાથી મટીરિયલની ખરીદી થતી હતી હવે જીલ્લા કક્ષાએ મટીરિયલ ખરીદી થાય છે. રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ગુજરાત પેટન યોજના, આયોજન મંડળના કામો, ધારાસભ્યની ગ્રાન્ટ્સ, સાંસદ સભ્યની ગ્રાન્ટ, નાણાપંચ ગ્રાન્ટના કામો, એટીવીટીના કામો, ગ્રામ પંચાયતના નેજા હેઠળ તેમજ સરપંચોની દેખરેખમાં રૂ.પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેજ રીતે મનરેગાના કામો પણ પાંચ લાખ સુધીના કામો ગ્રામ પંચાયતને મળવા જોઈએ એવી સંરપંચોની માંગણી છે. તેથી ઈ-ટેન્ડરની પ્રથા બંધ થવી જોઈએ અને સરપંચોને થતો અન્યાય અટકવો જોઈએ.

અગાઉ નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અને સરપંચ સંઘ પ્રમુખ નિરંજન વસાવાએ પણ આ મુદ્દો ઉઠાવી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. હવે કોગ્રેસના ધારાસભ્ય પણ મેદાનમાં આવતા મનરેગા યોજના મા ઈ-ટેન્ડરીંગના નિર્ણય અંગે શુ નિર્ણય લેવામાં આવશે તેની ઉપર મીટ મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here