રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ, છબનપુર-ગોધરા ખાતેથી CPRની તાલીમનો પ્રારંભ કરાવ્યો

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

આજે પંચમહાલ જિલ્લાના ૨૪૦૦ શિક્ષકો CPRની તાલીમ મેળવશે

વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવવો એ દરેક ભારતીયની નૈતિક ફરજ,CPR અંગે રાજ્યસરકારશ્રી દ્વારા સતત જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે-મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર

પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તબીબો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ અપાઈ

રાજ્ય સરકારશ્રી દ્વારા Indian Society Of Anaesthesiologist Gujaratના સહયોગથી રાજ્યની સરકારી પ્રાથમિક,માધ્યમિક શાળાઓમાં કાર્યરત ૨ લાખથી વધુ શિક્ષકો માટે CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) તાલીમનું આયોજન કર્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ,છબનપુર-ગોધરા ખાતેથી CPRની તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો.છબનપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં જિલ્લાના ૧૨૦૦ શિક્ષકોએ ઉપસ્થિત રહીને CPRની તાલીમ મેળવી હતી.જ્યારે બીજા સેશનમાં વધુ ૧૨૦૦ શિક્ષકો કુલ મળીને આજે ૨૪૦૦ શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું છે.આવનાર સમયમાં પણ ફરી ૨૪૦૦ શિક્ષકોને તાલીમ આપવામા આવશે.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના,દીપ પ્રાગટય અને મહાનુભાવો સ્વાગત થકી કરાઈ હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવવો એ દરેક ભારતીયની નૈતિક ફરજ ગણાય છે.તેમણે કહ્યું કે,સી.પી.આર એક એવી ટેકનિક છે, જેનાથી શરૂઆતી ૫ થી ૧૦ મિનિટમાં વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય છે.CPRની તાલીમ અંગે રાજ્યસરકારશ્રી દ્વારા સતત જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.અગાઉ પોલીસ વિભાગના જવાનોને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેના ભાગરૂપે આજે હાર્ટ એટેક સામે અનેક લોકોના જીવ બચી રહ્યા છે.કાર્યક્રમ પૂર્ણ થયે શિક્ષણ મંત્રીશ્રીએ સી.પી.આર તાલીમનું પ્રેક્ટીકલ કરીને તમામ માહિતી મેળવી હતી.

આ તકે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે તાલીમ અંગે માહિતી આપીને જણાવ્યું હતું કે,સી.પી.આર તાલીમ વારંવાર મેળવવી જોઈએ જેનાથી હાર્ટ એટેક સામે લોકોની અમૂલ્ય જિંદગીને બચાવી શકાય.

આ પ્રસંગે ડૉકટર સેલના કન્વીનર ડૉ.વિજય પટેલે શાબ્દિક સ્વાગત તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલે આભાર વિધિ રજૂ કરી હતી.આ તકે મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા ppt રજુ કરીને સી.પી.આર અંગે માહિતી આપવામા આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રી સહિત તમામ લોકોએ સી.પી.આર તાલીમનું પ્રેક્ટીકલ કર્યું હતું.

આ તાલીમ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,મેડિકલ કોલેજના ડીનશ્રી ડૉ.રાકેશભાઈ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,શ્રી કુલદીપસિંહ સોલંકી,ડૉ.યોગેશ પંડ્યા, ડે.સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.પૂર્વી દેસાઈ,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિત ડોકટર અને બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here