રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
સામાન્ય સભાની મંજુરી વિના કારોબારી સમિતિ અને ચીફ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવતી કર્મચારીઓની ભરતી નગરપાલિકા અધિનિયમન વિરૂદ્ધ : પુર્વ પ્રમુખ મહેશ વસાવા
રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા અગિયાર માસના કરાર આધારિત સેનેટરી ઇન્સ્પેક્ટર, મિકેનિકલ એન્જીનિયર, કોમ્પ્યુટર કલાર્ક સહિત એમ.આઇ.એસ.આઇ.ટી.એક્સપર્ટની જાહેરાત પાડવામાં આવી છે. કર્મચારીઓની આ ભરતી પ્રક્રિયા સામે સામાન્ય સભા બોલાવ્યા વિના જ જાહેરાત બહાર પાડવામાં આવેલ હોય ને નગરપાલિકાના પુર્વ પ્રમુખ મહેશ વસાવાએ વિવાદનો મધપુડો છંછેડયો છે, અને ભરતી પ્રક્રીયામા નગરપાલિકાના નિયમોને અભરાઈએ મુકી કામગીરી કરાતી હોવાનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજપીપળા નગરપાલિકામા સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની મહત્વની અનેક જગ્યાઓ વર્ષોથી ખાલી પડેલી છે, ભરતીની કોઈ જ પ્રક્રીયા હાથ ધરાતી નહોતી, ત્યારે નવનિયુક્ત ચીફ ઓફિસર જયેશ પટેલે આ જગ્યાઓ ભરવાં જાહેરાત બહાર પાડી છે. કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રીયાને નગરપાલિકાની કારોબારી સમિતિએ મંજુરી આપેલ છે, ત્યારે આ મામલે સામાન્ય સભામા નિર્ણય લેવામાં આવવો જોઈએ એવી ચર્ચા પાલીકાના પુર્વ પ્રમુખ મહેશ વસાવાએ ચીફ ઓફિસર જયેશ પટેલ સાથે કરી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ સમગ્ર મામલામાં પોતાને કર્મચારીઓ ન હોય કામગીરી કરવામાં અગવડ પડતી હોય કારોબારી સમિતિની મંજુરી મેળવી કરાર આધારિત કરમચારીઓની ભરતી માટે જાહેરાત પાડી હોવાનું જણાવી રહ્યા છે. કારોબારી સમિતિની મંજુરીએ કાયદા અનુસાર જ હોવાનું કહીં રહ્યા છે ત્યારે સામા પક્ષે મહેશ વસાવાનુ કહેવું છે કે સામાન્ય સભા જ સર્વોપરી હોય કારોબારી સમિતિના ઠરાવને પણ રદ કરવાની સત્તા સામાન્ય સભા ધરાવતી હોય આ ભરતી પ્રક્રિયા સામાન્ય સભામા ઠરાવ લાવીને હાથ ધરવી જોઈએ જેનાં બદલે નગરપાલિકાના અધિનિયમનોનો ભંગ કરી ભરતી હાથ ધરાતી હોવાનો આરોપ લગાવ્યો છે.
નગરપાલિકાની ભરતી પ્રક્રીયામા વિવાદનો મધપુડો છંછેડયો છે, હવે જોવાનું એ રહે છે કે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે કે પછી વિવાદોમા અટવાય છે.