ભાજપા સાંસદ મનસુખ વસાવાનો કેવડીયા અસરગ્રસ્તોના મામલે મુખ્યમંત્રીને પત્ર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કેવડીયાના 6 અસરગ્રસ્ત ગામના આદિવાસીઓના મામલે સંધર્ષનુ માહોલ બનતો હોવાનો સાંસદ મનસુખભાઈ વસાવાનો એકરાર

મુખ્યમંત્રીને દરમ્યાનગીરી કરી આદિવાસીઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા સાંસદ મનસુખ વસાવાની વિનંતી

કાયમી ઉકેલ ન આવે ત્યા સુધી ફેન્સીંગની કામગીરી સ્થગિત કરવાની માંગ

કેવડીયા 6 ગામના આદિવાસી ઓનો પોતાની માગણીઓ માટે સરકાર સાથે લાંબા સમયથી સંધર્ષ ચાલે છે,અસરગ્રસ્ત આદિવાસીઓ પોતાની માગણીઓ માટે અડગ છે,સંપાદિત થયેલ પોતાના બાપ દાદાના જમાનાની જમીનોનો કબજો છોડવા તૈયાર નથી, ત્યારે SSNL ના અધિકારીઓ, કેવડીયા કોલોનીના વહીવટદાર અને પોલીસ સાથે અવાર-નવાર સંધર્ષ થતાં હોય છે.

હાલ કોરોનાની મહામારી વચ્ચે અસરગ્રસ્ત 6 ગામની જમીન ફરતે ફેન્સીંગની કામગીરી SSNL દ્વારા હાથ ધરવામાં આવતા રાજયભરના આદિવાસી સંગઠનો, રાજકીય પક્ષો, આવેદનપત્રો આપી સોશીયલ મિડીયા મારફતે સરકારની નીતિનો ભારે વિરોધ કરી રહ્યા છે. સમગ્ર કેવડીયા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનો મંડાણ થયું છે.સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી આદિવાસી આગેવાન અને ભરુચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી તેઓને સમગ્ર મામલામા દરમ્યાનગીરી કરવા વિનંતિ કરી છે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે કેવડીયા 6 ગામના અસરગ્રસ્તો અને ગરુડેશ્વર વિયર ડેમના અસરગ્રસ્તોની જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની કામગીરીથી અસરગ્રસ્ત આદિવાસીઑ અને SSNL ના અધિકારીઓ, પોલીસ વિભાગ વચ્ચે છેલ્લા દશ દિવસથી સંધર્ષ ખૂબજ વધી રહ્યો છે, ગુજરાતના આદિવાસી સંગઠનો અસરગ્રસ્તોની વહારે આવી રહયા છે , વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પણ સમર્થનમા આવી રહયા છે.કેવડીયા વિસ્તારમાં એક સંધર્ષનો માહોલ અને વાતાવરણ ઉભું થઇ રહ્યુ છે.જેથી સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને ગુહાર ગુજારતા જણાવ્યું છે કે તેઓ આ મામલે મધ્યસ્થતા કરે અને આદિવાસી અસરગ્રસ્તોની સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ લાવે. અને જયાં સુધી અસરગ્રસ્તોની કાયમી સમસ્યા હલ ન થાય ત્યા સુધી જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની કામગીરી બંધ કરવામા આવે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખતા હવે સરકારના જ સાંસદ મેદાનમાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા અસરગ્રસ્તોના મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here