બોડેલીને જિલ્લા મથક મળ્યું નથી ત્યારે મેડિકલ કોલેજ આપો… વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ સામાજિક કાર્યકર કંચનભાઈ પટેલ તેમજ ભાજપ કાર્યકર્તાઓની માંગ..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના સામાજીક કાર્યકર કંચન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સભા પૂર્ણ થયા પછી સી ઓફ દરમિયાન મુલાકાત કરી રજૂઆત
બોડેલીને મેડીકલ કોલેજ મળશે જ તેવી આશા વ્યક્ત કરી
બોડેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્ણ થયા પછી છોટાઉદેપુર જિલ્લા ભાજપના કેટલાક આગેવાનો સાથે નરેન્દ્ર મોદીની સી ઓફ દરમિયાન મુલાકાત થઈ હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ બોડેલીના અગ્રણી સામાજિક કાર્યકર્તા કંચનભાઈ પટેલે નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન બોડેલીને મેડિકલ કોલેજ આપવા રજૂઆત કરી હતી. કંચનભાઈ જણાવે છે કે, મારી રજૂઆત મોદી સાહેબે શાંતિથી સાંભળી છે. મને આશા છે કે બોડેલીને છોટાઉદેપુર જિલ્લાની મેડીકલ કોલેજ મળશે જ.
કંચનભાઈ પટેલ જણાવી રહ્યા છે કે, તા. ૨૭ સપ્ટે. ના રોજ બોડેલીમાં સેવાસદન કચેરીની બાજુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્ણ થયા પછી મને તથા બીજા અન્ય ૧૩, કાર્યકરોને વડાપ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. હું ચોથા નંબરે ઉભો હતો. દરમિયાન વડાપ્રધાને મને જોઈ મારી પાસે આવતા મારા ખભે હાથ મૂકી ખબર અંતર પૂછ્યા હતા. તે સાથે જ બોડેલીમાં બધું કેમ ચાલે છે? તેમ પૂછી બોડેલી વિસ્તારની તેઓએ ચિંતા પણ કરી હતી. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અવસરે રજૂઆત કરી હતી કે, છોટાઉદેપુર જિલ્લો નવો બન્યો ત્યારે બોડેલીને જિલ્લા મથક બનાવી શકાયું ન હતું. તો હવે છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બોડેલીમાં જ સ્થાપિત કરવામાં આવે તો બોડેલી સમગ્ર જિલ્લાનું બેસ્ટ લોકેશન અને મથક હોઈ તેનો લાભ બધાને મળી શકે તેમ છે. જિલ્લા મથક ન બનતા અત્રેના લોકો માં જે કચવાટ થયો છે તેને મેડિકલ કોલેજ મળતા બોડેલી વિસ્તારના લોકો ખુશ ખુશાલ થઈ શકે તેમ છે. મારી વાત રજૂઆતને વડાપ્રધાને શાંતિથી સાંભળી હતી. મારી રજૂઆત સંદર્ભે ચોક્કસ મેડિકલ કોલેજ સંદર્ભે બોડેલીને ન્યાય મળશે જ તેવી મને આશા છે તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here