પંચમહાલ : હવેથી જાહેર સ્થળો પર માસ્ક પહેરેલો નહિ હોય…તો થશે ગુનો દાખલ…

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ માસ્ક કે કાપડથી મોઢુ-નાક ઢાંકવુ ફરજિયાત બનાવાયું…, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

ભારત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ લોક ડાઉન અમલી છે ત્યારે બજારમાં દૂધ-શાકભાજી-કરિયાણાની દુકાનો-વેચાણ કેન્દ્રો, મેડિકલ સ્ટોર્સ, અનાજ દળવાની ઘંટી જેવી જગ્યાઓએ લોકો એકત્રિત થાય છે અને એ પૈકીના કેટલાક દુકાનદારો તેમજ લોકો માસ્ક પહેરતા નથી. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા માસ્ક ન પહેરવાના કારણે તેઓને તેમજ અન્ય લોકો માટે કોવિડ-19 સંક્રમણનું જોખમ ઉભું થાય છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144, ગુજરાત પોલિસ અધિનીયમ-1951ની કલમ-43 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ અધિકારની રૂએ પંચમહાલ જિલ્લાની હદમાં જાહેર સ્થળોએ દરેક નાગરિક માટે માસ્ક પહેરવા અથવા મોઢું અને નાક વ્યવસ્થિત કાપડથી ઢાંકવાને ફરજિયાત બનાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા.01/05/2020થી તા.10/05/2020 સુધી (બંને દિવસો સહિત) અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-51થી 58 અને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ તેમજ ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-139ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here