પંચમહાલ વહીવટી તંત્રની કાર્યવાહી,ઘોઘંબા તાલુકામાં બાળ લગ્ન અટકાવ્યા

ઘોઘંબા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના કલ્યાણની ચાઇલ્ડ હેલ્પલાઇન ટોલ ફ્રી ૧૦૯૮ નંબર પર એક જાગૃત નાગરીક તરફથી બાળ લગ્ન અંગે મેસેજ મળતા પંચમહાલ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-વ-જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની ટીમ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને દામાવાવ પોલીસ સ્ટાફ સહિત ઘોંઘંબા તાલુકાના રૂપારેલ ગામે તપાસ અર્થે પહોંચેલ હતા. જ્યાં પહોંચતા રૂપારેલ ગામમાંથી જાન નિકળી ગયેલ હતી.ત્યાં બાળકના ડોકયુમેન્ટ તપાસતા તે બાળકની ઉંમર બાળલગ્ન કાયદા અનુસાર ૨૧ વર્ષ કરતા ઓછી જણાઇ આવતા તાત્કાલિક આખી ટીમ પીપડીયા (સિમલીયા) ગામે પહોંચીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળ લગ્નને અટકાવવામાં આવ્યા હતા.

આ સાથે બાળક અને તેના પરીવારને બાળકની ઓછી ઉંમર હોય તો તે કાયદાકીય રીતે લગ્ન કરાવવો ગુનો બને છે. માતા-પિતા અને તેમાં સહયોગ આપનાર તમામને રૂા. એક લાખનો દંડ અને ૨ વર્ષની સખત સજાની જોગવાઇ કાયદામાં કરવામાં આવી હોવાની સમજ આપવામાં આવી અને લગ્ન મોકુફ રાખવાની બાંહેધરી આપતા તેમનું નિવેદન લઇને કાયદેસરની પ્રક્રિયા પુર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ગોધરા – પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here