પંચમહાલ : પેન્શનરોએ જૂન-2020 થી ઓગષ્ટ- 2020 દરમિયાન સંબંધિત બેન્કમાં વાર્ષિક હયાતીની ખાતરી કરાવવાની રહેશે…

ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની

પંચમહાલ જિલ્લા તિજોરી અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લા તિજોરી કચેરી, ગોધરા ખાતેથી IRLA સ્કિમ હેઠળ બેન્ક મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શરોએ વાર્ષિક હયાતીની ખાતરી કરાવવાની થાય છે. આ તમામ પેન્શનરોએ જૂન-2020થી ઓગષ્ટ-2020 દરમિયાન સંબંધિત બેન્કમાં રૂબરૂ હાજર થઈને હયાતી અંગેનું ફોર્મ ભરીને તે જ બેન્કમાં આપવાનું રહેશે. તમામ બેન્કમાં હયાતી માટેના નામ અને પી.પી.ઓ. નંબર સહિતના પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ભરીને મોકલી આપવામાં આવ્યા છે. કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોએ આ જ ફોર્મમાં પુનઃલગ્ન કરેલ નથી તેવું દર્શાવીને જવાબદાર અધિકારીશ્રીના સહી/સિક્કા કરાવવાના રહેશે. 50 વર્ષની ઉંમર પૂરી કરેલ મહિલા પેન્શનરોએ આવું પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. પરંતુ આવા પેન્શનરોએ પોતાની જન્મતારીખ દર્શાવવાની રહેશે. પરદેશમાં વસતા પેન્શનરોએ હયાતીની ખાતરી માટે જે-તે દેશના વિસ્તારના નોટરીના અસલ સહી/સિક્કા વાળું પ્રમાણપત્ર, પીપીઓ નંબર તથા બેંકનું નામ દર્શાવી મોકલવાનું રહેશે. હયાતિ પ્રમાણપત્ર રજૂ નહીં કરનાર પેન્શનરોને સપ્ટેમ્બર-2020 થી પેન્શનનું ચૂકવણું સ્થગિત કરવામાં આવશે. જેની નોંધ લઈ તમામ પેન્શનરોએ આ સમયમર્યાદાની અંદર હયાતીની ખરાઈ કરાવવા આ યાદીમાં વિનંતિ કરવામાં આવી છે. આ ઉપરાંત, પેન્શનની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર https://cybertreasuryuat.gov.in પેન્શન પોર્ટલ પરથી મેળવી લેવા વિનંતી કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here