પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ

ગોધરા,તા-03-04-2020

પ્રતિનિધિ :- ઇશ્હાક રાંટા

કામદારોને લોકડાઉનના દિવસોનો પગાર કોઈ કપાત વિના ચૂકવવાનો રહેશે

ભાડેથી રહેતા કામદારો-શ્રમિકો પાસેથી એક મહિના સુધી ભાડુ નહીં માંગી શકાય

ભાડેથી રહેતા વિદ્યાર્થીઓ-શ્રમિકોને મકાન ખાલી કરવા પર કાયદાકીય કાર્યવાહી કરાશે

શ્રમિકોના રહેવા-જમવાની વ્યવસ્થા કામ પર રાખનારે કરવાની રહેશે

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે 25મી માર્ચથી દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોક ડાઉન દરમિયાન ધંધા-રોજગારનું સ્થળ છોડી પોતાના વતન તરફ જઈ રહેલા લોકો લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગેના આદેશોનો ભંગ કરી રહ્યા છે. જેથી પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર રોજગાર પૂરો પાડતા તમામ ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થાઓ-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ નિયત કરેલ મહેનતાણું નિયત કરેલ તારીખે કોઈપણ પ્રકારની કપાત વગર પુરેપૂરુ ચૂકવવાનું રહેશે. ભાડેથી રહેતા કામદારો અને શ્રમિકોના મકાન માલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. જો મકાન માલિક ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને ભાડાની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ અનુસાર પગલા લેવામાં આવશે. કોઈપણ ઉદ્યોગો, વ્યાપારી કે વાણિજ્ય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરો તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળના માલિકે કરવાની રહેશે. આ જાહેર હુકમ તા.01/04/2020થી તા.14/04/2020 (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

——0000——

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here