પંચમહાલ જિલ્લામાં વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃતિઓ શરૂ કરવા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમિતીનું ગઠન કરાયું

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં શરતોને આધીન મંજૂરી અપાશે સંક્રમણને લગતી સૂચનાઓનો કડકાઈથી અમલ કરવાનો રહેશે

નોવેલ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે દેશભરમાં લોક ડાઉનનો બીજો તબક્કો અમલી છે ત્યારે ભારત સરકાર દ્વારા અપાયેલ સૂચના અંતર્ગત લોકડાઉન દરમિયાન કન્ટેઈનમેન્ટ સિવાયના વિસ્તારમાં વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ ભારત સરકારની સુચનાઓનો અમલ કરવાની શરતે જે પાત્ર થતા હોય તેવા એકમોને ઉત્પાદન કામગીરી ચાલુ કરવાની મંજૂરીનો નિર્ણય કરશે. તે સાથે રાજ્ય સરકાર અથવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા હોય તેવા વિસ્તારોમાંથી આવા એકમોના કોઇ કર્મચારી કે અધિકારી કામ પર ના આવે તેની તકેદારી રાખશે. જો ઔદ્યોગિક એકમો દ્વારા આ સૂચનાઓનો ભંગ થતો જણાશે, તો તેની મંજુરી રદ થવાને પાત્ર થશે. ભારત સરકારે આપેલી સૂચના મુજબ ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદન/કામગીરી ચાલુ કરવાની મંજૂરી મેળવવાની રજૂઆત અંગે સભ્ય સચિવ તરીકે પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી જરૂરી સ્ક્રૂટીની કરી, સમિતી સમક્ષ રજૂ કરશે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી જિગર દવે આ સમિતીના સભ્ય સચિવ તરીકે રહેશે. વડોદરા જીઆઈડીસીના વિભાગીય વડાશ્રી જય ભોજક, જિલ્લા રોજગાર અધિકારી શ્રી ચૌહાણ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુરેન્દ્ર જૈન, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ નાયબ નિયામકશ્રી ડી.બી. ગામીત સમિતિના સભ્ય તરીકે રહેશે તેમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવેલા એક હુકમમાં કહેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here