પંચમહાલ જિલ્લામાં લોકડાઉન-૪ ના નિયમો અંગે જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા વિસ્‍તૃત જાહેરનામું પ્રસિધ્‍ધ કરાયું…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

કોરોના વાયરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા ભારત સરકારશ્રી દ્વારા ચોથા તબક્કાનું લોક ડાઉન તા. 18/05/2020થી તા.31/05/2020 સુધી લંબાવવામાં આવ્યું છે. આ લોક ડાઉન સંદર્ભે ભારત સરકારના તેમજ રાજ્ય સરકારના જાહેરનામાઓ, માર્ગદર્શિકા તેમજ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા જાહેરનામું કરી નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. સને. 1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144, ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-43 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા કરાયેલ આ જાહેરનામા અંતર્ગત નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.

સમગ્ર જિલ્લામાં આ કૃત્યો પ્રતિબંધિત રહેશે

1) સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે તેથી વધુ વ્‍યક્તિઓએ એક સાથે કોઈ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
2) તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરી પર પ્રતિબંધ રહેશે સિવાય કે તબીબી કારણો, એર એમ્બ્યુલન્સ તથા સુરક્ષાના ઉદ્દેશો અથવા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવી હોય.
3) મેટ્રો રેલ સેવાઓ
4) તમામ શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે તેમ છતાં સંસ્થાઓ ઓનલાઇન/ ડિસન્ટન્સ લર્નિંગ પદ્ધતિ મારફતે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે ચાલુ રાખી શકાશે.
5) ગૃહ, આરોગ્ય, પોલીસ, સરકારી કર્મચારી, આરોગ્ય કાર્યકર્તાઓ, પ્રવાસીઓ સહિત ફસાયેલી વ્યક્તિઓ અને ક્વોરેન્ટાઈન સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તે સિવાયની હોટલો, રેસ્ટોરન્ટ અને આતિથ્ય સેવાઓ, બસ ડેપો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર કેન્ટીન બંધ રહેશે. ભોજનની ડિલિવરી માટે રસોડું ચાલુ રાખવા માટે રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે.
6) તમામ સિનેમાઘરો, શોપિંગ મોલ, જિમ્નેશિયમ્સ, સ્વીમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક, થિયેટર, બાર,ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના જેવી જગ્યાઓ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ દર્શકો સિવાય ચાલુ રાખી શકાશે.
7) તમામ સામાજિક- રાજકીય- સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો, રમત-ગમત, મનોરંજન અને શૈક્ષણિક કાર્યક્રમો- પ્રસંગો અને આ પ્રકારના અન્ય તમામ મેળાવડામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
8) તમામ ધાર્મિક સ્થળો, પૂજનના સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે તેમજ ધાર્મિક કારણોસર લોકોના ભેગા થવા પર તેમજ ધાર્મિક સભા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
9) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિઓની અવરજવર ઉપર સાંજના સાત વાગ્યાથી સવારના સાત કલાક સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
10) 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, કો-મોર્બિડીટી ધરાવતી વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ અને દસ વર્ષથી નીચેના બાળકો એ જરૂરિયાતો અને તબીબી આરોગ્યના કારણો સિવાય ઘર બહાર નીકળવું નહીં.
11) તમામ શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે.

કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ચાલુ રહેનાર પ્રવૃત્તિઓ અને નિયંત્રણો

 • પંચમહાલ જિલ્લામાં હાલ જાહેર કરાયેલ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારે 8.00 થી બપોરના 3.00 કલાક સુધી પરવાનગી આપવામાં આવી છે.
 • કન્ટેઈમેન્ટ વિસ્તારમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી બહાર અવરજવર કરી શકશે નહીં.
 • સંરક્ષણ અને સલામતી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પોલીસ, જેલ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર તથા ઇમરજન્સી સેવાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલગ્ન સેવાઓ કોઈપણ જાતના પ્રતિબંધ વિના કામ કરશે.
  નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ચાલુ રહેનાર પ્રવૃત્તિઓ અને નિયંત્રણો
  પંચમહાલ જિલ્લાનાં નોન- કન્ટેઈમેન્ટ એરિયામાં નીચે મુજબની પ્રવૃત્તિઓને શરતોને આધીન વિગતે મંજૂરી આપવામાં આવી છે.
  અંતિમ ક્રિયા માટે 20 વ્યક્તિઓને અને લગ્ન સમારંભ માટે 50 વ્યક્તિઓને અનુમતિ મળી શકશે.
 • શાકભાજીના ફેરિયાઓ સિવાયના ફેરિયાઓને અનુમતિ આપવામાં આવી નથી.
 • પાન-મસાલા ની દુકાન ઉપરથી સોશિયલ ડિસન્ટન્સિંગના પાલન સાથે માત્ર ટેક-અવે લઈ શકાશે.
 • સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બાર્બર, હેરકટ, સલૂન અને બ્યુટી પાર્લરને ખુલ્લા રાખવા અનુમતિ.
 • 60 ટકાની ક્ષમતાએ લાઇબ્રેરીઓ પણ કાર્યરત રાખી શકાશે.
 • એસ.ટી.બસને છૂટ આપવામાં આવી છે. ડ્રાઇવર વત્તા બે પેસેન્જરની સાથે ઓટોરિક્ષા, ટેક્સી, કેબને મંજૂરી આપવામાં આવી છે.
 • રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના સ્થળો ખુલ્લા રહી શકશે પરંતુ ત્યાંથી માત્ર હોમ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
 • નોન કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સરકાર દ્વારા પ્રતિબંધિત ના હોય તેવી પ્રવૃત્તિઓ, દુકાનો સંસ્થાઓ અને એકમો સવારના 8 થી બપોરના ચાર વાગ્યા સુધી ચાલુ રહી શકશે.
 • બજાર વિસ્તાર, શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનો કે જે એકી મિલકત નંબર ધરાવે છે તેવી દુકાનો એકી નંબરની તારીખોએ અને બેકી મિલકત નંબર ધરાવતી દુકાનો બેકી નંબરની તારીખોએ ચાલુ રહી શકશે. દુકાનમાં એક સાથે પાંચથી વધુ વ્યક્તિઓને પ્રવેશ આપી શકાશે નહીં.
 • એક કરતા વધારે મિલકત નંબર ધરાવતી દુકાનો એકી નંબરની તારીખો પર ચાલુ રહી શકશે.
 • સ્ટેન્ડ અલોન અને નેબરહૂડ (શોપ્સ) દુકાનો રોજ ખુલ્લી રાખી શકાશે.
  નીચેની બાબતોનું અમલીકરણ સમગ્ર પંચમહાલ જિલ્લામાં કરવાનું રહેશે
 • કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો પર થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે તો તેમની સામે રૂપિયા ૫૦૦નો દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
 • સમગ્ર પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ દરેક નાગરિકે માસ્ક પહેરવું અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત કાપડથી ઢાંકવા ફરજીયાત રહેશે. તેમ ન કરનાર વ્યક્તિ સામે રૂ. 200/- દંડ વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
 • શાકભાજી, કરિયાણું, મેડિકલ સ્ટોર્સના વેપારીઓ તેમ જ અધિકૃત કરેલ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ વિતરણ સમયે ૬ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
 • જિલ્લામાં જાહેર કરવામાં આવેલા કન્ટેઈમેન્ટ વિસ્તારોમાં સમાવિષ્ટ તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને જરૂરી વિગતો દૈનિક ધોરણે અપડેટ કરવાની રહેશે.
 • કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોરોનાવાયરસ અંગે કોઈ પણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તેને ગુનો ગણી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 • જો કોઈ મુસાફર જાહેર કરાયેલા કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તારમાંથી મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ- ફોન નંબર 02672-250 668 કે હેલ્પલાઇન નંબર 104 ઉપર ફરજિયાત રીતે જાણ કરી તમામ પ્રકારની જાણકારી આપવાની રહેશે તેમજ વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ ક્વોરેન્ટાઈન તેમ આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેઓને ફરજિયાત રીતે પંચમહાલ જિલ્લાના સરકારી ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમિક એક્ટ- 1897ની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જાહેરનામુ સમગ્ર પંચમહાલ જિલ્લા હદ વિસ્તારને લાગુ પડશે તેમ જ આ હુકમની અમલવારી તા.19/05/2020થી તા.31/05/2020 સુધી (બંને દિવસો સહિત) કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-51 થી 58 અને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-139ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here