પંચમહાલ જિલ્લામાં લાભાર્થીઓને અનાજના મળવાપાત્ર જથ્થાની વિગતો દર્શાવતી સ્લીપોનું વિતરણ શરૂ કરાયું…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

2.23 લાખ એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ-બીપીએલ રેશનકાર્ડ ધારકોને સ્લીપનું વિતરણ કરાશે

વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર થતા અનાજના જથ્થા અંગે જાગૃત કરવાનો તેમજ તેની ગણતરીમાં થતી મૂંઝવણ દૂર કરવાનો આશય

સમાજના વિવિધ જરૂરતમંદ વર્ગોને મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજનું વિતરણ કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના લાભાર્થીઓમાં આ અંગેની જાગરૂકતા વધારીને અનાજ વિતરણની આ વ્યવસ્થાને વધુ સુદર્ઢ બનાવવા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એક વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લાના 2.23 લાખથી વધુ એન.એફ.એસ.એ અને નોન એન.એફ.એસ.એ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને તેમને મળવાપાત્ર થતા જથ્થાની વિગતો દર્શાવતી સપ્લાઈ સ્લીપો ઘરે બેઠા પહોંચાડવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ આ અંગે જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન મેન્યુઅલ પદ્ધતિથી અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુદી જુદી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને અપાતા અનાજ, કઠોળ, નમક, ખાંડનો જથ્થો કેટેગરી અનુસાર અલગ- અલગ હોય છે. અમુક યોજનામાં જથ્થો કાર્ડદીઠ તો કેટલીક યોજનામાં રેશનકાર્ડમાં નોંધાયેલ સભ્યો અનુસાર આપવામાં આવે છે. આ ઉપરાંત, અનાજની કેટલીક ખાસ ફાળવણીઓ પણ કરવામાં આવી રહી છે. જેમ કે આગામી 15મી જૂનથી કરવામાં આવનાર વિતરણમાં એપ્રિલ મહિનામાં વિતરીત ન કરી શકાયેલ દાળના બદલે કાર્ડ દીઠ વધારાના એક કિલો ચણા દાળ/ ચણા આપવામાં આવશે. રેશનકાર્ડમાં થયેલ ઓનલાઈન સુધારા-વધારા રેશનકાર્ડમાં ન હોય ત્યારે પણ અનાજના જથ્થા બાબત દુકાનદારો અને કાર્ડધારકોની ગણતરીઓ અલગ પડે છે. ગણતરીઓમાં થતી આ ગૂંચવણોનો દુકાનદારો દ્વારા દુરૂપયોગ કરી અનાજનો ઓછો જથ્થો અપાયા હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે, જ્યારે આ જ ગૂંચવણના લીધે ઘણીવાર સંપૂર્ણ જથ્થો અપાયો હોવા છતા કાર્ડધારકને મળવાપાત્ર જથ્થા વિશે અવિશ્વાસ સર્જાય છે.
આ ઉપરાંત, દિવસ દરમિયાન પુરુષો મજૂરીએ જતા હોવાથી મોટેભાગે અનાજનો જથ્થો લેવા માટે મહિલાઓ સસ્તા અનાજની દુકાને જાય છે. આદિવાસી વિસ્તારની મહિલાઓ પોતાના અધિકારો અને પોતાને મળવા પાત્ર જથ્થા વિશે પ્રમાણમાં ઓછી જાગરૂક હોવાથી તેમને પોતાના ક્વોટા બાબતે જાગૃત કરવાના આશયથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ સ્લીપમાં રેશનકાર્ડ ધારકને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંબંધિત મહિનામાં કુલ કેટલું અનાજ મળવાપાત્ર છે તેની વિગતો સ્પષ્ટપણે ગણતરી કરીને દર્શાવેલી છે. શિક્ષકો/બીએલઓ દ્વારા આ સ્લીપોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અનાજનો જથ્થો મેળવવા માટે આ સ્લીપ રજૂ કરવાની નથી. આ વિતરણનો હેતુ કાર્ડધારકોને તેમને મળવાપાત્ર થતા જથ્થા વિશે સચોટ માહિતી આપવાનો છે. સ્લીપ પર દર્શાવ્યા અનુસાર, જથ્થા અંગેની ફરિયાદ ટોલ ફ્રી હેલ્પલાઈન 02672-1077 પર કરી શકાશે. આ ઉપરાંત, જે સ્લીપોનું વિતરણ ન કરી શકાયું હોય તેની કારણ સહિતની વિગતો નોંધવા પણ શિક્ષકોને સૂચના આપવામાં આવી છે, જેથી ભૂતિયા કાર્ડને ઓળખી શકાય તેમજ કાર્ડનો દુરૂપયોગ અટકાવી શકાય. પંચમહાલ જિલ્લામાં 2.14 લાખ જેટલા એનએફએસએ કાર્ડ ધારકો છે, જ્યારે નોન-એનએફએસએ બીપીએલ કાર્ડની સંખ્યા 9000 થવા જાય છે. આ અંદાજે 2.23 લાખ રેશનકાર્ડ ધારક પરિવારોને આ સ્લીપનું વિતરણ કરવામાં આવશે. આગામી 15મી જૂન, 2020થી જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડ ધારકો અને નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને અનાજનું નિયમિત વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here