પંચમહાલ જિલ્લામાં મોબાઈલ એપની મદદથી હોમ ક્વોરેન્ટાઈનની સૂચનાના પાલન અંગે ચકાસણી કરાશે

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

હોમ ક્વોરેન્ટાઈન થનારે કોવિડ-19 ટ્રેકર એપ ડાઉનલોડ કરી દિવસમાં બે વાર સેલ્ફી અને દર કલાકે લોકેશન શેર કરવાના રહેશે

જિલ્લામાં 258 લોકો હજુ પણ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ

પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવા અંગેની સૂચનાનું પાલન કરે છે કે તેમ તે સુનિશ્ચિત કરવા કોવિડ-19 ટ્રેકર એપની પણ મદદ લેવામાં આવશે. હોમ ક્વોરેન્ટાઈનની સૂચના અપાઈ હોય તેવી વ્યક્તિએ 14 દિવસ સુધી પોતાના ઘરમાં જ રહી અન્ય વ્યક્તિઓથી સંપર્ક ટાળવાનો હોય છે, જેથી વાયરસનો ચેપ લાગ્યો હોય તો તે ચેપ અન્ય વ્યક્તિઓને ન લાગે. આ સૂચનાનો ભંગ કરવા બદલ સરકારી ક્વોરેન્ટાઈન ફેસિલીટીમાં ખસેડવા સહિતના પગલા લેવાની જોગવાઈ છે. પંચમહાલ જિલ્લામાં હવે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલ વ્યક્તિઓ ઘરમાં જ રહેવાની સૂચનાનું ચુસ્તતાપૂર્વક પાલન કરે છે કે કેમ તે ચકાસવા કોવિડ-19 ટ્રેકર એપનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હોમ ક્વોરેન્ટાઈન થનારે પોતાના મોબાઈલમાં આ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તેમને અપાયેલા યુઝરઆઈડીનો ઉપયોગ કરી એપ્લીકેશનમાં સવારે 10 વાગ્યે અને સાંજે 9 વાગ્યે પોતાની સેલ્ફી અપલોડ કરવાની રહેશે. તે સાથે જ સવારે અને સાંજે તેમના સ્વાસ્થ્યની સ્થિતિને લગતા પ્રશ્નો ધરાવતી એક પ્રશ્નોતરી પણ ઓનલાઈન ભરવાની રહેશે. આ ઉપરાંત, દર કલાકે પોતાનું જીપીએસ લોકેશન મોકલવું પણ ફરજિયાત છે. તંત્ર તરફથી હોમ ક્વોરેન્ટાઈન અંગે સૂચના અપાઈ છે તેવી દરેક વ્યક્તિએ આ એપ ફરજિયાત રીતે ડાઉનલોડ કરીને સહયોગ આપવાનો રહેશે. હોમ ક્વોરેન્ટાઈનની ચકાસણી કરતી ક્યુએસટી ટીમો આ બાબત સુનિશ્ચિત કરશે. ક્વોરેન્ટાઈન કરેલ લોકોના ટ્રાવેલ હિસ્ટ્રી, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોવિડ-19 પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવા અંગેની વિગતો ટ્રેક કરી સંક્રમિતોને શોધવા માટે જિલ્લામાં કોવિડ-19 ટ્રેકિંગ વેબ અને મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્નારા જિલ્લા કક્ષાની ટીમની રચના કરી નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. બી.કે.પટેલ આ ટીમના નોડલ ઓફિસર તરીકે રહેશે.

જિલ્લામાં અત્યાર સુધી 1216 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 958 વ્યક્તિઓએ તેમનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને બાકીના 258 લોકો હજી હોમ ક્વોરેન્ટાઈન છે. જિલ્લામાંથી કોરોનાનો 1 કેસ પોઝિટીવ મળ્યો હતો, જેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here