પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની આવકાર દાયક પહેલ…

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

જિલ્લાના જરૂરતમંદ વિદ્યાર્થીઓના પરિવારોને કુલ 4200થી વધુ રાશન કીટનું વિતરણ

ઉત્તમ શિક્ષક હંમેશા પોતાના વિદ્યાર્થીઓને જે નૈતિક શિક્ષણ આપે તેનું આચરણ પોતે પણ કરતો હોય છે. પંચમહાલ જિલ્લાના શિક્ષકોએ આ વાતને ચરિતાર્થ કરી છે. કોરોના સંક્રમણના ભયને પગલે દેશભરની માફક જિલ્લામાં પણ લોક ડાઉન અમલી છે ત્યારે મજૂરી કરીને રોજનું કમાતા તેમજ જરૂરતમંદ વિદ્યાર્થીઓના પરિવારને મદદ કરવા શિક્ષકો આગળ આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.પંચાલે જણાવ્યું હતું કે જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્મિક વિભાગના તમામ સંઘોના પદાધિકારીઓએ જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના પરિવારો કે જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરે છે તેમને સહાયરૂપ બનવાનું નક્કી કર્યું. જેથી દરેક શાળાના સૂચના આપવામાં આવી કે ફાળો એકત્રિત કરવાના બદલે દરેક કર્મચારી દીઠ એક રાશન કીટની સહાય કરવામાં આવે તે વધુ યોગ્ય જણાશે. જો કે જિલ્લાની 298 શાળાઓ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત પ્રયત્ને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો અને જિલ્લાના કુલ 2465 કર્મચારીઓ દ્વારા 4200થી વધુ રાશનકીટનું જરૂરતમંદ વિદ્યાર્થીઓના પરિવારોને વિતરણ કરવામાં આવ્યું. આ રાશનકીટમાં ઘઉં/ઘઉંનો લોટ, ચોખા, તુવેર દાળ, મગદાળ, ચણા, તેલ, મીઠું, મરચું, હળદર, ચા, ખાંડ જેવી દૈનિક રાશનની વસ્તુઓ સમાવિષ્ટ હતી. કેટલીક શાળાઓએ કરેલી કામગીરી ધ્યાનાકર્ષક રહી હતી. જેમ કે હાલોલની નિષ્ઠા વિદ્યામંદિર શાળા દ્વારા 250 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વેલવડની હર્ષદી વિદ્યાલય દ્વારા તમામ વિદ્યાર્થીઓને 240 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 25 જણનો સ્ટાફ ધરાવતી મોરવા (હ)ની કે.એસ. હાઈસ્કુલ દ્વારા 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિપદાની આ ઘડીમાં પંચમહાલ જિલ્લાના શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓના પરિવારની કાળજી લઈને માનવતાનું અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here