પંચમહાલ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

૧૧ ગામોની ૧૧૬.૭૨ લાખના ખર્ચે તૈયાર થનારી યોજનાઓને મંજૂરી

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેન્દ્ર નલવાયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ બેઠકમાં સમિતી દ્વારા મંજુર કરાયેલ પાણી પુરવઠા યોજનામાં થયેલ પ્રગતિની વિગતો મેળવી, સમીક્ષાના અંતે રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત પ્રગતિવાળી યોજનાઓની ભૌતિક કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત મંજુર થયેલ યોજનાઓ પૈકી એ યોજનાઓના કામો હાથ ધરવાના બાકી હોય તેવી યોજનાઓના કામોના ટેન્ડર વહેલીતકે બહાર પાડી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. બેઠકમાં નવીન મંજૂર થયેલી યોજનાઓને વહીવટી મંજૂરી આપી પાણી સમિતિ સાથે કરારખત કરી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવા શ્રી નલવાયાએ જણાવ્યું હતું. જલ જીવન મિશન ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત સર્વેક્ષણ કરાયેલા પૈકીના ગામોની યોજના બનાવવામાં ઝડપ લાવી યોજના ફાઈલો જિલ્લા સમિતીમાં રજૂ કરવા જણાવ્યું હતું. પાણી સમિતિ દ્વારા વીજ જોડાણની અરજી કરવામાં આવે ત્યારે તેની અરજીનો તાત્કાલિક સ્વીકાર કરી રસીદ આપવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. શહેરા તાલુકાના જાલમ બારીયાના મુવાડા, ગોધરા તાલુકાના હરકુંડી, હાલોલ તાલુકાના તખતપુરા, બળિયાદેવ, રવાલીયા, ચાંપાનેર, આંબાવાડિયા, ખરેડા, મોરવા (હડફ)ના ખુદરા, ઘોઘમ્બા તાલુકાના ઘોઘા તેમ જ જાંબુઘોડાના દેવલ ફળિયા એમ ૧૧ ગામોની ૧૧૬.૭૨ લાખના ખર્ચે તૈયાર થનારી યોજનાઓની અંદાજીત કિંમતની ચર્ચા કરી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. નોન-ટ્રાઈબલ ગામોની યોજનાઓને જરૂરી લોક ફાળો ભર્યેથી વહીવટી મંજૂરી આપવાની શરતે કામગીરી પૂર્ણ કરવાના આયોજન સાથે મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અગાઉ મંજૂર થયેલા ચાર યોજનાઓમાં ઘટકોનો સુધારો થતાં સુધારેલી યોજનાની રકમને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કાલોલ તાલુકાના અડાદરા અને પલાસા તેમજ ઘોઘંબા તાલુકાના ખરખડી અને નાથકુવા ગામની યોજનાઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here