પંચમહાલ જિલ્લામાં તમામ પ્રાઈવેટ ડોક્ટર્સે કોવિડ-19ના શંકાસ્પદ કેસો અંગે ટીએચઓને જાણ કરવાની રહેશે

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પોઝિટીવ નીકળેલા કેસો અંગે રિપોર્ટ નહીં કરવા બદલ એપિડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર નોવેલ કોરોના વાયરસ સંક્રમણને પંચમહાલ જિલ્લામાં પ્રસરતો અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર પૂરી સજ્જતાથી કાર્યરત છે. કોવિડ-19ના કેસોને અન્યોમાં સંક્રમણ ફેલાય તે પહેલા પ્રારંભના તબક્કાથી જ ડિટેક્ટ કરવાની રણનીતિના ભાગરૂપે જિલ્લાના તમામ ડોક્ટર્સને આ પ્રકારના શંકાસ્પદ કેસોની ડો.ટેકો એપ્લીકેશનમાં એન્ટ્રી કરવા અને તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણમાં સામાન્ય રીતે તાવ ખાંસી સાથે શ્વાસની તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો દેખાતા સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરતા હોય છે. જેથી જનરલ પ્રેક્ટિસનર્સ સહિતના ડોક્ટર્સ જો આ પ્રકારના કેસો આવે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરે તો વહેલી તકે કેસ કન્ફર્મ કરી સંક્રમણનો વ્યાપ વધતો રોકી શકાય છે. તેમણે જિલ્લાના તમામ ડોક્ટર્સને SARI (સિવીયર એક્યુટ રેસ્પિરટરી ઈલનેસ) કેસોની ફરજિયાતપણે તાત્કાલિક ડો.ટેકો એપમાં એન્ટ્રી કરવા તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવા જણાવ્યું હતું. કોરોના મહામારીનો સામનો કરવા માટે હાલ રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીનો સામનો કરવા માટે આ વિગતોની જરૂર હોવાથી તમામ ડોક્ટર્સ માટે આ અંગે તંત્રને સમયસર જાણ કરવી ફરજિયાત છે. જો સારવારમાં આવેલ દર્દી પાછળથી કોરોના પોઝિટીવ મળશે અને તે બાબતે જાણ કરવામાં નહીં આવી હોય તો સંબંધિત ડોક્ટર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. આ માટે ડોક્ટર્સે પ્લે સ્ટોર પરથી ડો.ટેકો એપ ડાઉનલોડ કરી તેમાં આવા દર્દીનું નામ, સરનામું, ફોન નંબર તેમજ પોતાની વિગતો આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here