પંચમહાલ જિલ્લામાં કોરોના સંદર્ભે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તાશ્રી…

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચંદા

કોરોનાને હરાવવા મેડિકલ સર્વે, સર્વેલન્સ, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતોમાં નાગરિકોનો સહયોગ અનિવાર્ય : જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા

પંચમહાલ કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના પગલે સર્જાયેલી સ્થિતિ સંદર્ભે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. કોવિડ-19 સંક્રમણ રોકવા સામે ચાલી રહેલ અભિયાન નાગરિકોના સહયોગ, જાગરૂકતા અને સક્રિયતાની મદદથી જ સફળ થઈ શકશે તેમ જણાવતા તેમણે સમાજના વિવિધ વર્ગોના પ્રતિનીધીઓને પોતાના સમાજમાં આ બાબતમાં જાગૃતિ લાવવા તેમજ કોવિડ-19 સંક્રમણની ગંભીરતા સમજાવવા જણાવ્યું હતું. જે વિસ્તારોમાં કોરોના પોઝિટીવ કેસો મળી રહ્યા છે, ત્યાના અગ્રણીઓ પ્રશાસન અને પ્રભાવિત લોકોની વચ્ચે સેતુરૂપ કામગીરી કરે તે ઈચ્છનીય છે તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થળોએ જિલ્લા આરોગ્યની ટીમોને પૂરતો સહકાર ન મળતો હોવાની ફરિયાદ સામે આવી છે. કોવિડ-19 સંક્રમણને આગળ વધતું અટકાવવા લોક ડાઉનનું ચુસ્ત પાલન અનિવાર્ય છે તેમ જણાવતા સમાહર્તાશ્રીએ ઉમેર્યું હતું કે લોકો સ્થિતિની ગંભીરતા સમજ્યા વગર ક્ષુલ્લક કારણોસર બહાર નીકળે છે તેમજ સલામત અંતર પણ જાળવતા નથી. સ્થિતિ અને નિયંત્રણોને હળવાશથી લઈ પોતાને અને પોતાની સાથે સૌને જોખમમાં મૂકતા આવા લોકોને સમજાવવા તેમણે સમાજના આગેવાનોનો સહયોગ માંગ્યો હતો. તેમણે કોઈને પણ કોરોનાના લક્ષણો જણાય તો સ્ટેટ હેલ્પલાઈન 104માં કોલ કરીને જાણ કરવા તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનું ધ્યાન દોરવા આગ્રહપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત, લોક ડાઉન દરમિયાન પડતી સમસ્યાઓ વિશે પણ આ આગેવાનો સાથે ચર્ચા કરી વિધાયક નિરાકરણની ખાતરી આપી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here