પંચમહાલ જિલ્લાના 33,213 ઉપરાંત નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું…

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

બે દિવસમાં મળવાપાત્ર પૈકી 39 ટકા લાભાર્થીઓને વિતરણ

લોક ડાઉન દરમિયાન મધ્યમવર્ગને દૈનિક રાશનની તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચના અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ તા.07/05/2020થી નોન એન.એફ.એસ.એ. એપીએલ-01 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠાતંત્ર દ્વારા જિલ્લાના કુલ 85,023 નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને 12મી મે સુધી વાજબી ભાવની 476 દુકાનો પરથી રેશનકાર્ડ દીઠ 10 કિ.ગ્રા. ઘઉં., 03 કિ.ગ્રા. ચોખા, 01 કિ.ગ્રા.ખાંડ તથા 01 કિ.ગ્રા. ચણા/ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂર નથી તેવા APL-1 રેશન કાર્ડ ધારકોને અન્ય જરૂરિયાત મંદોની તરફેણમાં અનાજનો લાભ જતો કરવા અપીલ કરી છે. જિલ્લાના 85,023 નોન એનએફએસએ એપીએલ-1 કાર્ડ ધારકો પૈકી કુલ 33,213ને એટલે કે 39.06 ટકાને મળવાપાત્ર અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકા પ્રમાણે જોઈએ તો, કાલોલ તાલુકામાં 3661 લાભાર્થીઓને, ગોધરા તાલુકામાં 10,314 લાભાર્થીઓને, જાંબુઘોડા તાલુકામાં 892 લાભાર્થીઓને, ઘોઘંબા તાલુકામાં 3771 લાભાર્થીઓને, મોરવા (હ) તાલુકામાં 2244, શહેરા તાલુકામાં 7660 અને હાલોલ તાલુકામાં 4671 લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.

રેશનકાર્ડ ધારકોએ રેશન કાર્ડ અને ઓરિજનલ આધાર કાર્ડ અને બોલપેન પણ સાથે લઇ જવાના રહેશે. રેશન કાર્ડમાં ફરજીયાત નોંધ કરાવવી અને ત્યાં રાખેલ રજીસ્ટરમાં સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. અનાજ મેળવવા માટે એક જ વ્યક્તિએ આવવું. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. અને અનાજ લેવા આવનાર કાર્ડ ધારકો એ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here