પંચમહાલ જિલ્લાના રેડ ઝોનમાં સમાવેશ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું…

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં નિયંત્રણો ચાલુ રહેશે

ગોધરા નગરપાલિકા વિસ્તાર સિવાયના જિલ્લાના વિસ્તારમાં નિયંત્રણો જાહેર કરતો હુકમ

ભારત સરકારના આદેશથી લોક ડાઉનની મુદત તા.17/05/2020 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના તા.01/05/2020આ આદેશના નિર્દેશો પ્રમાણે રાજ્યના જિલ્લાઓને કોરોના સંક્રમણના જોખમના આધારે રેડ ઝોન (હોટ સ્પોટ), ગ્રીન ઝોન તથા ઓરેન્જ ઝોનમાં વિભાજીત કરી ઝોન પ્રમાણે પ્રવૃતિઓ કાર્યરત કે પ્રતિબંધિત રાખવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.30/04/2020ના પત્રથી પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર જિલ્લાના મોટાભાગના કેસો મળી આવ્યા છે તે ગોધરા નગરપાલિકા હદ વિસ્તારમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા ગોધરા નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના સમગ્ર પંચમહાલ જિલ્લામાં કેટલાક નિયંત્રણો મૂકવાની જરૂર જણાતા પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144, ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-43 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34 હેઠળ મળેલ અધિકારની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નવી માર્ગદર્શિકા મુજબ કઈ છે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ…?

(૧) સુરક્ષા હેતુઓ, તબીબી સેવાઓ, એર એમ્બ્યુલન્સ તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તે સિવાયની મુસાફરોની ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી
(૨) સુરક્ષા હેતુઓ તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તે સિવાયની રેલ્વે મારફતે કે આંતર રાજય જાહેર પરીવહન માટેની બસ દ્વારા થતી મુસાફરી
(૩) તબીબી કારણોસર અથવા ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ મંજૂરીવાળી પ્રવૃત્તિઓ સિવાય ગૃહ મંત્રાલયની પરવાનગી વગર કરેલ આંતર રાજય મુસાફરી/અવર જવર.

(૪) તમામ સરકારી કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજ, શાળા, ટ્યુશન કલાસીસ, તાલિમ અને કોચિંગ વર્ગો વગેરે સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઈન તેમજ ડિસ્ટન્‍સ લર્નીંગ ચાલુ રહી શકશે.
(૫) આરોગ્ય, પોલીસ, સરકારી અધિકારીઓ, હેલ્થ કેર વર્કર્સ, યાત્રીઓ સહિતના ફસાયેલ વ્યક્તિઓ તેમજ ક્વોરેન્‍ટાઈનની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવતી સેવા સિવાયની આતિથ્ય (હોસ્પિટાલિટી) સેવાઓ.
(૬) પાન-માવા, ગુટકા, તમાકુ/સિગારેટ/બીડી વિગેરેનું વેચાણ કરતી દુકાનો/લારી/ગલ્લા બંધ રાખવાના રહેશે.
(૭) જાહેર રસ્તા પર, બજાર કે ખુલ્લા એરીયામાં પાથરણા પાથરી કોઈ પણ ચીજ વસ્તુઓનું વેચાણ થઈ શકશે નહી.
(૮) નગરપાલિકા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ભરાતા શાકભાજી માર્કેટ નિયત થયેલ જગ્યા સિવાય એક જ સ્થળે ઉભા રહી શાકભાજી વેચાણ કરી શકશે નહી. શાકભાજીનું વેચાણ લારી કે નાના વાહનમાં હરતા ફરતા રહીને કરી શકશે.

(૯) તમામ શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, સિનેમાગૃહો, વિડીયોગૃહો અને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેઈમ ઝોન, ક્લબ, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્નની વાડીઓ, હાટ બજાર તેમજ જ્યાં લોકોની મોટી સંખ્યામાં અવર-જવર થઈ શકે તેવા તમામ પ્રકારના સ્થળો બંધ રાખવાનાં રહેશે
(૧૦) તમામ સામાજિક/રાજકીય/રમત-ગમત/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડાઓ/સંમેલનો.
(૧૧) તમામ ધાર્મિક સ્થાનો/પૂજા સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો/મેળાવડાઓ પર પ્રતિબંધ રહેશે.
(૧૨) સમગ્ર પંચમહાલ જિલ્લામાં સાંજના ૦૭.૦૦ વાગ્યાથી સવારના ૦૭.૦૦ વાગ્યા સુધી બિન આવશ્યક પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવર-જવર પર સખત પ્રતિબંધ રહેશે તેમજ તેનું કડકપણે પાલન કરવાનું રહેશે
(૧૩) ૬૫ વર્ષથી વધુ ઉમર ધરાવતી વ્યક્તિઓ, કો-મોર્બિડીટી ધરાવતી વ્યક્તિઓ, ગંભીર બીમારી હોય તેવી વ્યક્તિઓ, સગર્ભા મહીલાઓ તેમજ ૧૦ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોએ આવશ્યક જરૂરીયાતો તેમજ આરોગ્ય હેતુઓ સિવાય ઘરે જ રહેવાનું રહેશે.
(૧૪) કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન (Containment Zone) માં Out-Patient Departments(OPDs) અને મેડીકલ ક્લિનિકલ (Medical clinics) ને ચલાવવાની મંજુરી આપવામાં આવશે નહી.

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં અમલવારી

(1) સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા, ટેક્સી, કેબ તેમજ બસની સેવાઓ ચાલુ કરી શકાશે નહીં
(2) વાળ કાપવાની દુકાનો, સ્પા તથા સલૂન ચાલુ રાખી શકાશે નહીં
(3) માત્ર પરવાનગી આપેલ પ્રવૃતિઓ માટે ફોર વ્હીલર વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત માત્ર બે વ્યક્તિઓ તેમજ ટુ-વ્હીલર પર માત્ર ચલાવનારને પરવાનગી
(4) શહેરી વિસ્તારમાં માત્ર સીટુ બાંધકામ (જ્યાં સાઈટ ઉપર કામદારો ઉપલબ્ધ હોય અને બહારથી કામદારોને લાવવાની જરૂર ન હોય) તથા રીન્યુએબલ એનર્જી યોજનાઓ ચાલુ રાખી શકાશે
(5) શહેરી વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો અને તેના બજારો સિવાય તમામ મોલ, માર્કેટ કોમ્પલેક્ષ તથા બજારો બંધ રહેશે.
(6) ગ્રામ્ય વિસ્તારોમાં મોલ સિવાયની તમામ દુકાનો (આવશ્યક અને બિન આવશ્યક ચીજ વસ્તુઓના ભેદ વિના) ખુલ્લી રાખી શકાશે

(7) માત્ર આવશ્યક ચીજવસ્તુઓને સંલગ્ન ઈ-કોમર્સ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે
(8) ખાનગી ઓફિસો 33 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. જેમાં બાકીનો સ્ટાફ ઘરેથી કામ કરશે.
(9) કોઈ પણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવર-જવર કરવી નહીં. સક્ષમ સત્તાધિકારીની પરવાનગી વગર જિલ્લાની સરહદ ક્રોસ કરવી નહીં.
(10) સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એક સાથે એકઠા થવા પર પ્રતિબંધ રહેશે
(11) શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્ટેલો તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે
(12) જાહેર બાગ-બગીચાઓ તેમજ તમામ ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવાના રહેશે
(13) પાન-માવાના ગલ્લાઓ, ગુટખા, સિગારેટ, બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજ વસ્તુઓના વેચાણ કરતી દુકાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે

(14) કોઈપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે
(15) છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસ પોઝિટીવ વિસ્તાર/દેશમાંથી મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓએ નજીકની સરકારી હોસ્પિટલ ખાતે, જિલ્લા કંટ્રોલ રૂમ ફોન નં. 02672-250668 અથવા હેલ્પલાઈન નં. 104 ઉપર ફરજિયાત જાણ કરી તમામ પ્રકારની જાણકારી આપવાની રહેશે. તેમજ વહીવટીતંત્રની સૂચના અનુસાર હોમ ક્વોરેન્ટાઈન/આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(16) જાહેર રસ્તાઓ, જાહેર સ્થળો ઉપર થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની સામે નિયમોનુસાર દંડ વસૂલ કરવાની હાથ ધરવાની રહેશે.
(17) ઘરની બહાર નીકળનાર નાગરિકે પણ 6 ફૂટ (બે ગજ) સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.
(18) શાકભાજી, કરીયાણું, મેડિકલ સ્ટોર્સના વેપારીઓએ તેમજ અધિકૃત કરેલા આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ વિતરણ સમયે 6 ફૂટ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
(19) લોક ડાઉન દરમિયાન લોકોએ પોતાના ઘરમાં રહેવાનું રહેશે. ઘરના કમ્પાઉન્ડની બહાર રસ્તા પર, કોમન પ્લોટ પર પાર્કિંગવાળી જગ્યાએ બિનજરૂરી એકઠા થવાનું રહેશે નહીં
(20) જાહેર થયેલ તેમજ ભવિષ્યમાં જાહેર થનારા કન્ટેઈનમેન્ટ એરિયામાં સમાવિષ્ટ તમામ લોકોએ આરોગ્ય સેતુ એપ્લીકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરીને જરૂરી વિગતો દૈનિક ધોરણે અપડેટ કરવાની રહેશે.
(21) અંતિમ વિધી-સ્મશાન યાત્રામાં 20થી વધારે લોકો ભાગ લઈ શકશે નહીં. તેમજ આ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.

ગોધરા નગરપાલિકામાં અમલવારી બાબત

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તા.15/04/2020ના જાહેરનામાથી આપેલ સૂચના અનુસાર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવા પૂરી પાડતી દુકાનો જ ગોધરા નગરપાલિકાના કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તાર સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે. આ સિવાયની તમામ દુકાન/સેવાઓ સદંતર બંધ રહેશે.
આ જાહેરનામું પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે તથા તા.૦૪/૦૫/૨૦૨૦થી તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે, અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓ તથા સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ પાસ ધારકો/મંજુરી હુકમો ધરાવનાર ઔદ્યોગિક એકમો/વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here