પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ સામે મોરચો માંડશે કોવિડ-19 આર્મી…

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન, રાજ્યમાં પ્રથમ કોવિડ-19 સેના

શિક્ષણ, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના 10,000 કર્મચારીઓને અપાઈ રહી છે તાલીમ

કોવિડ-19 આર્મી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને પ્રવેશ અટકાવવા અને સંક્રમણની સ્થિતિમાં સહાયક ભૂમિકાઓ ભજવવા સજ્જ હશે :- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ

પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારો, ગોધરા અને હાલોલમાં કોવિડ-19 સંક્રમણના કેસો બહાર આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હજી સુધી સંક્રમણ પહોંચ્યું નથી. જો કે તંત્ર દ્વારા અગમચેતી વાપરીને ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ ફેલાય કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થાય તેવી સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કરી કોવિડ-19 આર્મી તૈયાર કરવામાં આવી રહી છે. જે સંક્રમણની સ્થિતિમાં મહત્વની સહાયક કામગીરીઓ કરવા સક્ષમ હોય. આ વિશે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો હજુ શરૂ થયો નથી પરંતુ અગમચેતી વાપરી આવી સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે પંચમહાલ જીલ્લામાં કોવીડ-૧૯ આર્મી બનાવવામાં આવી છે. આ આર્મીમાં જિલ્લાના શિક્ષકો, સંકલિત બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ કોવિડ-19 સંક્રમણના કેસો મળી આવે તેવી સ્થિતિમાં પ્રારંભિક સારવાર અને સંભાળ લેવા માટેનું એક માળખું અને તાલીમબધ્ધ કર્મચારીઓ તૈયાર હોય તે અત્યંત આવશ્યક છે. આ માટે જિલ્લાના શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર્તાઓને તાલીમ આપીને એક મજબૂત સપોર્ટ સ્ટાફ ઉભો કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સેના ઈન્ફેક્શન કન્ટ્રોલ, પ્રાયમરી નર્સિંગ સહિતની કામગીરી અને તે માટે રાખવાની થતી કાળજીઓ વગેરે બાબતોની તાલીમ મેળવશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પંચમહાલ જીલ્લાના દરેક ગામમાં ગ્રામ્ય યોધ્ધા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ગામના સરપંચ , તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવક, એક સામાજિક કાર્યકર અને શિક્ષકનો સમાવેશ થાય છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી શકાય તે માટે ગ્રામ્ય કક્ષાએ ૧૫ પથારીઓનો અઈસોલેશન વોર્ડ બનાવવાની દિશામાં પણ ગ્રામ યોદ્ધા સમિતીની સાથે મળીને આ કોવિડ આર્મી કામ કરશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પંચમહાલ જીલ્લાના 6500 શિક્ષકો સહીત અન્ય વિભાગના કર્મચારીઓ મળીને 10 હજાર જેટલા કમર્ચારીઓની કોવિડ-૧૯ આર્મી બનાવવાનું આયોજન કર્યું છે. વધુમાં જો જરૂર પડશે તો સખીમંડળમાં નોંધાયેલ 80 થી 90 હજાર બહેનો પૈકી 5-7,000 બહેનોને પણ આ રીતે તાલીમ આપી કોરોના સામેની લડાઈમાં સામેલ કરવામાં આવશે.
પ્રથમ તબ્ક્કામાં હાલ શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 1343 શિક્ષકોને આ તાલીમ આપી દેવાઈ છે. જો કે 5916 શિક્ષકોએ આઈ ગોટ એપ મારફતે ઓનલાઈન તાલીમ તો મેળવી જ લીધી હતી. આ કોવિડ-19 આર્મીમાં શિક્ષકોને મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફની વચ્ચેનો સેતુ બનવાના છે ત્યારે તકેદારીના તમામ પગલા અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવશે. સમગ્ર કામગીરી દરમિયાન શિક્ષકોને દર્દી અથવા શંકાસ્પદ દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા વગર તમામ કામગીરી જેવી કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રાખવા, દર્દી -શંકાસ્પદ દર્દીઓની માહિતી એકત્ર કરવી, ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા દર્દીની યોગ્ય સારસંભાળ લેવામાં આવે છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ સહિતની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના ચેપના ફેલાવાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વડવા માટે બનાવવામાં આવેલ કોવિડ-૧૯ આર્મી રાજ્યમાં આ પ્રકારની પ્રથમ આર્મી છે. આ આર્મીના ભાગ એવા તમામ શિક્ષકો અને કર્મચારીઓએ આ કામ માટે તૈયાર રહેવા માટે પોતાની સંમતી દર્શાવી તંત્રના આ પગલાને આવકાર્યો હતો
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here