પંચમહાલ જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ….

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

સંક્રમણ સંદર્ભે જાહેર કરાયેલ નિયમોનું પાલન કરવાની શરતે મંજૂરી,

શરતોના પાલન અંગે સંબંધિત એસોશિયેસન મારફતે બાંયેધરી રજૂ કરી નિયમિત રિપોર્ટ કરવાનો રહેશે

કુલ 470 ઔદ્યોગિક એકમોને મંજૂરી, 96 એકમો પુનઃ ધમધમતા થયા,

9000થી વધુ મજૂરો ઔદ્યોગિક ઉત્પાદનમાં કાર્યરત

લોકડાઉનના સમયગાળા દરમિયાન મંદ પડેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ફરીથી વેગવંતી કરવા માટે સરકારે આપેલ નિર્દેશો અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની શરતી મંજૂરી આપતો હુકમ કર્યો છે. જો કે આ એકમોએ કોવિડ કટોકટીને ધ્યાનમાં લઈને સરકારે ઠરાવેલ કામનાં સ્થળોએ રાખવાની થતી કાળજીઓ સહિતની શરતોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં હવેથી નિર્દિષ્ટ એકમો, પ્રવૃત્તિઓ માટે મંજૂરી મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં પરંતુ શરતોનું પાલન કરવાં અંગેની બાયેંધરી સંબંધિત એસોસિએશન મારફતે રજુ કરવાની રહેશે. કામના સ્થળના સંપૂર્ણ સેનિટાઈઝેશન સહિત, આવતા-જવાના સમયે થર્મલ સ્કેનિંગ, કામદારોનો આરોગ્ય વીમો, તમામ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરતી વ્યવસ્થાઓ, જગ્યામાં પ્રવેશતા સાધનો સેનેટાઈઝ કરવા, પાળીઓ વચ્ચે એક કલાકનું અંતર રાખવા સહિતની શરતોનું ફરજિયાત રીતે પાલન કરવાનું રહેશે. આ શરતોનું પાલન કરવા/કરાવવાની જવાબદારી સંબંધિત એસોસિયેશન/સંગઠનની રહેશે. સંબંધિત એસોશિયેસને તેમના જે યુનિટો ચાલુ થાય તેમની પાસેથી ઠરાવેલ કબુલાતનામું મેળવીને તે અંગેનો રિપોર્ટ દિવસમાં બે વાર કરવાનો રહેશે. ઔદ્યોગિક એકમો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને અને બાંધકામ ક્ષેત્ર માટે માર્ગ-મકાન વિભાગને આ રિપોર્ટ કરવાનો રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની હદની બહાર આવેલા ફૂડ પ્રોસેસિંગ, આઈટી હાર્ડવેર, કોલસા ઉત્પાદન, ખાણો-ખનીજ ઉત્પાદન, તેમનું પરિવહન, વિસ્ફોટકોનો પુરવઠો અને અને ખાણકામની કામગીરીની આકસ્મિક પ્રવૃતિઓ, પેકેજિંગ મટીરીયલનું ઉત્પાદન કરતા એકમો, ઈંટ ભઠ્ઠાના ઉદ્યોગોને શરતી મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ ક્ષેત્રે એમએસએમઈ સહિત રોડનું બાંધકામ, સિંચાઈના પ્રોજેક્ટ (પરિયોજના), મકાનોનું બાંધકામ અને ઔદ્યોગિક પ્રોજેક્ટો અને ઔદ્યોગિક એસ્ટેટમાં તમામ પ્રકારના પ્રોજેક્ટો, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને તેમજ નગરપાલિકાની હદમાં બાંધકામના ચાલુ પ્રોજેક્ટો જ્યાં સ્થળ પર કામદારો હાજર હોય અને બહારથી લાવવાની જરૂર નથી તેમને મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લાના કુલ 470 જેટલા એકમોને શરતી મંજૂરી અપાઈ 96 જેટલા ઓદ્યોગિક એકમો ફરી શરૂ, 4000 જેટલા શ્રમિકો પુનઃકામ પર

જિલ્લામાં ઓદ્યોગિક ક્ષેત્રને પુનઃ ધમધમતું કરવા માટે તા. 18/04/2020થી અત્યાર સુધી જિલ્લાના કુલ 470 જેટલા એકમોને મંજૂરી આપવામાં આવી છે. આ એકમોને કુલ 19,128 શ્રમિકોની ક્ષમતા સુધી પરવાનગી આપવામાં આવી છે. આ પૈકીના 96 જેટલા એકમોમાં 4000 જેટલા મજૂરો ફરીથી ઉત્પાદન કાર્યમાં વ્યસ્ત થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયગાળામાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કુલ 111 એકમોને મંજૂરી આપવામાં આવી હતી અને આ એકમોના 5000 જેટલા શ્રમિકો લોકડાઉન દરમિયાન પણ કાર્યરત હતા. હાલમાં, જિલ્લામાં અંદાજે કુલ ૯૦૦૦ જેટલા શ્રમિકો જિલ્લાની ઔદ્યોગિક ગાડીને ફરી પુર ઝડપે દોડતી કરવા કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here