નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના રાજપીપલા શહેર અને જિલ્લામાં નોંધાયેલા પોઝિટીવ કેસવાળા વિસ્તારોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં થઇ રહેલી સઘન કામગીરી

રાજપીપળા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં લોકડાઉનનો થઇ રહેલો ચુસ્ત અમલ : પોલીસ દ્વારા કરાઇ ફ્લેગમાર્ચ

લોકડાઉનના અમલમાં અપાયેલી શરતી આંશિક છુટછાટ સિવાયના લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીની હદયસ્પર્શી અપીલ

નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ના સંક્રમણને રોકવા જાહેર કરાયેલા લોકડાઉનનો અમલ તા. ૩ જી મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટેના રક્ષણાત્મક ઉપાયના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહના સુચારૂ સંકલન દ્વારા જિલ્લા પ્રશાસન તરફથી કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારી સામે જિલ્લામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે.

તા.૧૭ મી એપ્રિલની સ્થિતિએ જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલાં ૧૧ પોઝિટીવ કેસ બાદ તા. ૧૮ મી એપ્રિલથી આજે તા. ૨૧ મી એપ્રિલ, ૨૦૨૦ સુધી વધુ નવા કોઇ પોઝિટીવ કેસ નોંધાયા નથી. શહેર અને જિલ્લામાં પોઝિટીવ કેસ નોંધાયા છે તેવા વિસ્તારો અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તારમાં રાજપુત ફળીયું અને કોલીવાડ- જુનાકોટ વિસ્તારના વોર્ડને તેમજ કુંવરપુરા, વાઘેથા, સિસોદ્રા, ખડગદા, ડુમખલ, ભુતબેડા, બયડી, સેલંબા વગેરે જેવાં ગામોના વિસ્તારોને સીલ કરાયા છે તે તમામ વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન તરફથી સઘન બંદોબસ્ત ગોઠવાયા ઉપરાંત જિલ્લા પોલીસતંત્ર તરફથી પણ સઘન પેટ્રોલિંગ દ્વારા ચાંપતી નજર રાખીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ફ્લેગમાર્ચ પણ થઇ રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની ધનસેરા બોર્ડર પાસે પણ પોલીસ દ્વારા સઘન ચેંકીગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પોલીસને લોકોનો સાથ-સહકાર મળી રહ્યો છે. પોતાની રીતે જ લોકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૧ પોઝિટીવ કેસો નોંધાયેલ છે, ત્યારે ૧૨ જેટલાં કલસ્ટર જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારના જે લોકો છે તેમને બહાર નિકળવાની કોઇ પરમિશન નથી. તેમની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ એન.જી.ઓ, મ્યુનિસિપાલિટી અને પોલીસતંત્રની નિર્ભયા ટીમ મારફતે પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લોકડાઉનનું જે લોકો પાલન નથી કરી રહ્યા તે લોકોની વિરુધ્ધમાં પોલીસ કાયદાકીય પગલા લઇ રહી છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં ૪૭૬ જેટલાં ગુનાઓ દાખલ થયાં છે અને ૯૮૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ૬૭૧ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યાં છે તેમજ ડ્રોન કેમેરાથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, જેમાં ૩૫ જેટલાં ગુનાઓ નોંધાયા છે તેમજ સીસીટીવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૧૯ જેટલાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં વિડીયોગ્રાફીનો ઉપયોગ કરીને ૧૨ જેટલાં ગુનાઓ દાખલ કરાયાં છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ પણ પગલાં લેવાઇ રહ્યાં છે. લોકોમાં વિશ્વાસની ભાવના જાગે અને પોલીસ તેમના માટે સતત પ્રયત્નશીલ છે તે માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પોલીસ ફલેગમાર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાની જાણકારી પણ તેમણે આપી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં નોંધાયેલા ૧૧ પોઝિટીવ કેસનાં જે દરદીઓ છે તેમના રહેઠાણ વિસ્તારોના કન્ટેનઇમેન્ટ ઝોનમાં સક્રિય કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રી તરફથી મહેસુલ-પંચાયત, આરોગ્ય અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની પ્રત્યેક ઝોનદીઠ સોંપાયેલી જરૂરી કામગીરી સંબંધિતો તરફથી થઇ રહી છે અને ઉક્ત વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટેના જરૂરી આવશ્યક તમામ પગલાંઓ લેવાયા છે અને કન્ટેઇનમેન્ટ ઝોન માટે કરવામાં આવેલ પ્રતિબંધાત્મક આદેશોનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી લોકડાઉનના અમલમાં કેટલીક શરતોને આધિન રહીને કેટલીક બાબતોમાં આંશિક કેટલીક છુટછાટ અપાઇ છે તે સિવાયના લોકોને લોકડાઉનના અમલ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા અને ઘરમાં જ રહીને સુરક્ષિત રહેવાની સાથે સમાજ અને દેશની ઉત્તમ સેવાની આ તકમાં સહયોગી બનવા રાજપીપલા શહેર અને સૌ નર્મદા જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ હદયસ્પર્શી અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here