નર્મદા : યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી’ની થીમ પર નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા”વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાઈ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને તેના પરિવારજનો, સમાજ શ્રેષ્ઠીઓએ ઘરમાં રહીને જ યોગનું નિદર્શન કર્યું

નર્મદા જિલ્લામાં સોશ્યલ મીડિયાના ડિજીટલ માધ્યમથી “વિશ્વ યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરી

ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દર વર્ષે તા. ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ- કોવીડ -૧૯ના સંક્રમણને કારણે સરકારશ્રી દ્વારા આજે “યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી” ની થીમ પર આંતર રાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી લોકોએ એકત્રીત થયા વગર ઘરમાં રહીને જ ઉજવણી કરી હતી. જે અંતર્ગત નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ ઘરે રહીને જ યોગ દિવસની ઉજવણી કરી હતી.

“યોગ કરીશું,કોરોના હરાવીશુ”ના સંકલ્પ સાથે સરકારી કર્મચારીઓ દ્વારા કરેલી યોગની વિવિધ મુદ્રાઓના ફોટા સોશ્યિલ મીડિયા ઉપર શેર કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ કરેલી અપીલને જિલ્લાવાસીઓએ વધાવીને યોગ મુદ્રાના ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યા છે.

જિલ્લાની પ્રાથમિક શાળાના ૭૭૦૧ જેટલા શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૮૯૧ જેટલા શિક્ષકો, જિલ્લા આયુર્વેદ વિભાગના ૯૪૫ તેમજ સરકારી અન્ય વિભાગો- સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજે કુલ- ૨૭ હજારથી વધુ લોકોએ યોગના ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયામાં અપલોડ કરીને યોગ દિવસની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લાના નહેરૂ યુવા કેન્દ્રના યુવાનો અને રણછોડજી મંદિર વિસ્તારના રહીશો દ્વારા યોગ દિવસની ઉજવણી સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને ૧૦૪૩ લોકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ યોગના નિદર્શન કર્યા હતા.

યોગ ગુરુ ડો.ઉમાકાન્ત શેઠે જણાવ્યું હતું કે, આમતો અમારા યોગકેન્દ્રના તમામ યોગકર્તાઓ છેલ્લા બે મહિનાથી ઘરે બેસીને જ યોગ કરીએ છીએ પરંતુ આજના વિશેષ દિવસે સોશિઅલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીને યોગાભ્યાસ કર્યો છે, અમે યોગનો પ્રચાર અને પ્રસાર બારે માસ કરીએ છીએ જયારે નહેરુ યુવા કેન્દ્રના કાર્યકર્તા અજિતભાઇ પરીખ, પ્રેમ પ્યારી બહેન તડવી. શંકરભાઇ તડવી પ્રતિક્ષાબેન પટેલ કાજલબેન વસાવાએ જણાવ્યું કે, અમે યોગ દિવસની ઉજવણી માટે આજે રણછોડજી મંદિર ખાતે ચાલતા યોગ કેન્દ્રમાં આવી વડાપ્રધાન શ્રી ના સંદેશ ને આગળ ધપાવી રહ્યા હોવાનું જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here