નર્મદા જિલ્લા માટે કલેક્ટર દ્વારા જાહેરનામાની પ્રસિધ્ધિ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ત્રીજા તબક્કાના લોકડાઉનના અમલ સંદર્ભે કેટલાક નિયંત્રણો

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉક્ત વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં તા.૧૭/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉક્ત વંચાણ-૨ ના હુકમથી નર્મદા જિલ્લાનો સમાવેશ ઓરેન્જ ઝોન (Orange Zone) માં કરવામાં આવેલ છે. ઉક્ત વંચાણની સૂચનાઓ મુજબ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયેલ હોવાથી કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે કેટલાંક નિયંત્રણો મુકવાની જરૂરિયાતને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૪/૦૫/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૭/૦૫/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાંક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

તદ્અનુસાર, નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે જિલ્લાના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે બિનજરૂરી અવર-જવર કરવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી. જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે. તમામ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને મુસાફરીના સમયનો હવાલો સંભાળનાર વ્યક્તિઓએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થૂંકવું નહીં. પાન, ગુટકા, તમાકુ વિગેરેનો જાહેર સ્થળોએ વપરાશ કરવો નહીં.પાન, ગુટકા, તમાકુ, સિગારેટ-બીડી વિગેરેના ગલ્લાઓ-દુકાનો તથા આ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રહેશે. તમામ કાર્યસ્થળોએ પૂરતા પ્રમાણમાં ટેમ્પરેચર સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવાની રહેશે અને પૂરતા પ્રમાણમાં સેનીટાઈઝર્સ પૂરા પાડવાના રહેશે. ઉત્પાદન કરતા તમામ એકમોએ સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓની વારંવાર સફાઈ કરાવવાની રહેશે તથા હાથ ધોવાનું ફરજીયાત કરવાનું રહેશે. ઉત્પાદન કરતા તમામ એકમોએ સારી આરોગ્યની ટેવો વિશે સઘન તાલીમ અને જાણકારી આપવાની રહેશે.

તદ્ઉપરાંત નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી/ અર્ધસરકારી અધિકારી/ કર્મચારી, હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઈ શકશે નહીં. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારી નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે, અપ-ડાઉન (અવર-જવર) કરી શકશે નહીં. જો કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારીઓને ખાસ કારણોસર નર્મદા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાનાં સંજોગો ઉપસ્થિત થાય તો સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી (મામલતદાર) પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી લઈ આ હેતુ માટે ખાસ નક્કી કરેલ પાસ મેળવી નર્મદા જિલ્લાની બહાર જઈ શકશે. આ પ્રકારના પાસમાં ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીએ અધિકારી / કર્મચારીનો પ્રવાસ કરવાનો ચોક્કસ સમય, તારીખ, મુસાફરીનો રૂટ તથા પરવાનગી આપવા માટેનું સ્પષ્ટ કારણ દર્શાવવાનું રહેશે. પોલીસ વિભાગ દ્રારા આ અંગે જરૂરી ચકાસણી કરવાની તકેદારી રાખવાની રહેશે. તમામ રોજગાર પૂરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો/મજૂરો/ખેતમજૂરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો/મજૂરો/ખેતમજૂરોએ તેમનું રહેણાંક છોડવું નહીં. તમામ રોજગાર પૂરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો વગેરેમાં કામ કરતા કામદારો/મજૂરો/ખેતમજૂરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેવા કામદારો/મજૂરો તેમનું રહેણાંક છોડે નહીં અને લોકડાઉનનો ભંગ કરે નહીં તેની તકેદારી કામે રાખનાર ઉદ્યોગકારો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનદારો, કોન્ટ્રાક્ટરો, અસંગઠીત મજૂરોને કામ આપનાર સંસ્થાઓ/ વ્યક્તિઓ વગેરેએ રાખવી. તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરો વગેરેએ તેમના તમામ પ્રકારના કામદારો/મજૂરોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારીક/વાણિજ્યક સંસ્થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું, નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પુરેપુરૂ ચુકવવાનું રહેશે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપેલ હોય તથા મેડીકલ કારણો સિવાયના વ્યક્તિઓની આંતરરાજ્ય અવરજવર પ્રતિબંધિત રહેશે. તમામ સ્કૂલો, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચીંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે. ઓનલાઈન/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning) ને મંજૂરી આપી શકાશે. હાઉસીંગ, હેલ્થ, પોલીસ, સરકારી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, લોકડાઉનને કારણે પ્રવાસીઓ સહિતના ફસાયેલ વ્યક્તિઓ તથા ક્વોરેન્ટાઈન સુવિધા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય તે સિવાયની તમામ હોસ્પિટાલીટી સર્વિસીઝ બંધ રહેશે. તમામ સિનેમા હોલ્સ, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પૂલ, મનોરંજક બગીચાઓ, થિયેટર, રેસ્ટોરન્ટ, હોટલ અને ઓડીટોરિયમ, સભાખંડ(assembly halls) તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રાખવા. તમામ સામાજિક/ રાજકીય/ સ્પોર્ટસ/ મનોરંજક/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક મેળાવડા અને મિલન બંધ રાખવા. તમામ ધાર્મિક સ્થળો/ પ્રાર્થના સ્થળો લોકો માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડાઓ સદંતર બંધ રાખવા.

સાંજના ૭.૦૦ કલાકથી સવારના ૭.૦૦ કલાક સુધી તમામ બીનઆવશ્યક પ્રવૃતિ માટે વ્યક્તિગત અવરજવર સખ્તાઈપૂર્વક બંધ રહેશે. ઘરની બહાર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ મોર્નીંગ વોક/ ઈવનીંગ વોક કરી શકાશે નહીં. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, સહ રોગો ધરાવતી વ્યક્તિઓ, સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ આવશ્યક કામકાજ અને મેડીકલ કારણો સિવાય (રાષ્ટ્રીય ગાઈડલાઈન અનુસાર) ઘરે જ રહેવાનું રહેશે. Containment Zones માં Out-Patient Deparments (OPDs) અને મેડીકલ ક્લિનીક બંધ રહેશે. તેમ છતાં જિલ્લાના Containment Zones સિવાયના વિસ્તારમાં Out-Patient Deparments (OPDs) અને મેડીકલ ક્લિનીક સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમો તથા સ્વાસ્થ્યની અંગેની સાવચેતીનું પાલન સાથે કાર્યરત રહેશે. સ્મશાનયાત્રાઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તમામ કાર્યસ્થળોનો હવાલો સંભાળનાર વ્યક્તિઓએ કાર્યસ્થળોએ અને પરિવહન દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. કાર્યસ્થળોએ બે શિફ્ટ વચ્ચે યોગ્ય સમયનું અંતર રાખવું, સ્ટાફ માટે રોટેશનમાં લંચ બ્રેક ગોઠવવું વિગેરે દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન પોઈન્ટસ પર ટેમ્પરેચર સ્ક્રીનીંગ, હાથનો સ્પર્શ ન થાય તે મુજબના હેન્ડ વોશ અને સેનીટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે તથા પૂરતા પ્રમાણમાં હેન્ડ વોશ અને સેનીટાઈઝર્સ પૂરા પાડવાના રહેશે. સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા માણસોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે.

જાહેર અને ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજીયાતપણે કરવાનો રહેશે. આરોગ્ય સેતુ એપના ઉપયોગનો વ્યાપ ૧૦૦% કર્મચારીઓ સુધી આવરી લેવામાં આવે તે બાબતની જવાબદારી જે તે સંબંધિત એકમના વડાની રહેશે. વધુ લોકો ભેગા થતા હોય તેવી બેઠકો પર પ્રતિબંધ રહેશે. કાર્યસ્થળની નજીકના ક્ષેત્રોમાં COVID-19 નો ઉપચાર કરતી અધિકૃત હોસ્પિટલ / ક્લિનીકની ઓળખ કરી, તેની યાદી કાર્યસ્થળો પર ઉપલબ્ધ રાખવાની રહેશે. જો કોઈ કર્મચારીમાં COVID-19 ના લક્ષણો જણાય તો તેઓને તાત્કાલિક મેડીકલ ચેકઅપ માટે આવી હોસ્પિટલ / ક્લિનીક ખાતે મોકલવાના રહેશે. જ્યાં સુધી આવા લક્ષણો ધરાવતા કર્મચારીઓને મેડીકલ ફેસીલીટી ધરાવતા સ્થળે મોકલવામાં ન આવે ત્યાં સુધી તેઓને આઈસોલેટ કરવા ક્વોરેન્ટાઈન એરીયા નક્કી/ચિન્હીત કરવાનો રહેશે. જ્યાં જાહેર/ખાનગી ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે ટ્રાન્સપોર્ટ સુવિધાની વ્યવસ્થા કરવાની રહેશે. જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાઈરસ પોઝીટીવ વિસ્તાર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ / નર્મદા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ખાતે ૨૪ કલાક કાર્યરત ફોન નંબર ૦૨૬૪૦-૨૨૧૮૦૬ / ૦૨૬૪૦-૨૨૪૦૦૧ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ ઉપર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર Home Quarantine/ Isolation ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે નર્મદા જિલ્લાના quarantine વોર્ડમાં ખસેડી Epidemic Diseases Act-1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નર્મદા જિલ્લામાં Containment Zones તરીકે જાહેર કરેલા વિસ્તારોમાં સિવાયના વિસ્તારના અન્ય વિસ્તારોમાં નીચે મુજબની પ્રવૃત્તિઓને નિયત શરતોના પાલન સાથે આ હુકમમાં પરવાનગી આપવામાં આવી છે. જેમાં ટેક્ષી અને કેબ સુવિધા એક ડ્રાઈવર અને વધુમાં વધુ બે મુસાફર સાથે જ ચાલુ રહી શકશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપેલ હોય ફક્ત તેવી પ્રવૃતિઓ માટે વ્યક્તિઓ અને ચાર પૈડાવાળા વાહનો આંતરજિલ્લા અવરજવર કરી શકશે. ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઈવર સિવાય પાછળની સીટ પર વધુમાં વધુ ૨(બે) જ વ્યક્તિ બેસી શકશે. નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલ તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે તેઓના કુલ કર્મચારી/કામદારોના ૫૦% કર્મચારી/કામદારો સાથે ચાલુ રાખી શકશે. આ વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. નગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો પૈકી માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલી દુકાનો સિવાયની તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે તેઓના કુલ કર્મચારી/કામદારોના ૫૦% કર્મચારી/કામદારો સાથે ચાલુ રાખી શકશે.

આ જાહેરનામાના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થયેથી ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A), તા.૦૧/૦૫/૨૦૨૦ થી English ભાષામાં પ્રસિધ્ધ કરેલ સૂચનાઓ આખરી ગણવાની રહેશે.

ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકરી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/૨૦૨૦-DM-I(A)મ તા,૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/૨૦૨૦, તા.૨૭/૦૩/૨૦૨૦, તા.૨૯/૦૩/૨૦૨૦, તા.૦૨/૦૪/૨૦૨૦, તા.૦૩/૦૪/૨૦૨૦, ૦૬/૦૪/૨૦૨૦, તા.૧૦/૦૪/૨૦૨૦, તા.૧૨/૦૪/૨૦૨૦, તા.૧૪/૦૪/૨૦૨૦ તથા ૦૧/૦૫/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. સદરહુ જાહેરનામાના મુદ્દા નં-૧૦ થી ૧૨ ની જોગવાઈઓ સરકારી વાહનમાં સરકારી ફરજના કામે જિલ્લા બહાર જતા અધિકારી /કર્મચારીને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here