નર્મદા જિલ્લામાં તા.૧ થી તા.૩૧ મી જુલાઇ-૨૦૨૦ સુધી અનલોક-૨ ના અમલ સંદર્ભે જિલ્લા કલેક્ટર તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં ક્ન્ટેનમેન્ટ ઝોનમાં તા.૩૧/૦૭/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પ્રતિબંધિત પ્રવૃતિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવેલ છે.વંચાણની સૂચનાઓ મુજબ નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ હોવાથી કોવીડ-૧૯ ના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે કેટલાક નિયંત્રણો મૂકવાની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

તદઅનુસાર નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે જિલ્લાના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. સમગ્ર નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં રાત્રીના ૧૦.૦૦ કલાકથી સવારના ૫.૦૦ કલાક સુધી આવશ્યક પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવરજવર સખ્તાઈપૂર્વક બંધ (Curfew) રહેશે. પરંતુ આ સમયગાળા દરમિયાન શિફ્ટમાં ચાલતા ઔદ્યોગિક એકમોનું સંચાલન, મુસાફરો અને માલની રાષ્ટ્રીય અને રાજ્યના ધોરીમાર્ગો પર અવરજવર, કાર્ગોનું લોડીંગ અને અનલોડીંગ, બસ, ટ્રેન અને વિમાન મારફત મુસાફરી કરીને આવેલ વ્યક્તિઓની તેમની મંજિલ સુધીની મુસાફરીને પરવાનગી આપવામાં આવે છે.

સમગ્ર નર્મદા જિલ્લાના હદ વિસ્તારમાં ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં સવારના ૦૭.૦૦ કલાકથી રાત્રીના ૦૭.૦૦ કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે. ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં વંચાણ-૨ના હુકમમાં જણાવેલ Negative list સિવાયની તમામ આર્થિક પ્રવૃતિઓ રાત્રીના ૮.૦૦ કલાક સુધી તથા રેસ્ટોરન્ટ રાત્રીના ૦૯.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

કામદારો/ કર્મચારીઓ/ દુકાન માલિકો કે જેઓના રહેઠાણ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે તેઓ ક્ન્ટેનમેન્ટ/માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન છોડી બહાર જઈ શકશે નહીં. GSRTC ની બસ સેવાઓ કાર્યરત રહી શકશે. ખાનગી બસ સેવાઓ ૬૦% બેઠક ક્ષમતા (60% seating capacity and no standing) સાથે GSRTC જેવી જ Standard Operating Procedures ના પાલન સાથે ચાલુ રાખી શકાશે. રમતગમત સંકુલ અને સ્ટેડીયા(Stadia) ચાલુ રાખી શકાશે. કાર્યક્રમના પ્રસારણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહી. પરંતુ પ્રેક્ષકો અને જનમેદની એકઠી થવા પર પ્રતિબંધ રહેશે.

તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચીંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે. તેમ છતાં વહીવટી કચેરીઓ ચાલુ રાખી શકાશે. ઓનલાઇન/દૂરવર્તી શિક્ષણ (Distance Learning ) ચાલુ રાખી શકાશે. અને તેને પ્રોત્સાહિત કરવાનું રહેશે. તમામ સિનેમાગૃહો, વ્યાયામશાળાઓ,સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, જાહેર બગીચાઓ, નાટ્યગૃહો,સભાગૃહો, સભાખંડો તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રાખવા.તમામ સામાજિક/ રાજકીય/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સભારંભો/ અન્ય સંમેલનો અને મોટી સંખ્યામાં જન સમુદાયના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

લગ્ન સમારંભોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૫૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. અંતિમવિધિમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. હોટેલ અને અન્ય આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ Standard Operating Procedures મુજબ ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થળો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે તેમજ Standard Operating Procedures મુજબ ચાલુ રાખી શકાશે. પરંતુ કાર્યક્રમ/ વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા નક્કી કરેલ વિસ્તારોમાં શહેરી વિક્રેતાઓ Standard Operating Procedures મુજબ કામગીરી ચાલુ રાખી શકશે.

તેવી જ રીતે ગ્રંથાલયો બેઠક વ્યવસ્થાની ક્ષમતાના ૬૦% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે. ઓટો રીક્ષાની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. કેબ અને ટેક્ષીની સેવા, ખાનગી કારમાં ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. જો બેઠક ક્ષમતા ૬ કે તેથી વધુ હોય તો ડ્રાઈવર સિવાય ૩ મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. દ્વિચક્રીય વાહનો ડ્રાઈવર સિવાય એક મુસાફર સાથે અવરજવર કરી શકશે. ખાનગી કચેરીઓ સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે. પરંતુ “વર્ક ફ્રોમ હોમ” ને પ્રોત્સાહન આપવાનું રહેશે.

બેંકો સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે, સરકારી કચેરીઓ સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને માલ-સામાનની અવર-જવર કોઇ પણ નિયંત્રણ વિના કરી શકાશે. આ માટે અલગથી પરવાનગી લેવાની રહેશે નહીં. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ(co-morbidities), સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે.

જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તેમજ મુસાફરી દરમ્યાન તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે. માસ્ક (Face Cover) નહીં બાંધનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: GP/20/NCV/102020/SFS-1/G, તા.૧૫/૦૬/૨૦૨૦ મુજબ રૂ.૨૦૦ નો દંડ વસૂલાવામાં આવશે. કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેરમાં થૂંકનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: GP/20/NCV/102020/SFS-1/G, તા.૧૫/૦૬/૨૦૨૦ મુજબ રૂ.૨૦૦ નો દંડ વસૂલાવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓ તા.૧૫-૦૭-૨૦૨૦ થી Department of Personnel & Training (DoPT) દ્વારા બહાર પાડવામાં આવનાર Standard Operating Procedures (SOP) મુજબ ચાલુ રાખી શકાશે. ઓફિસ તથા કામના સ્થળો પર સલામતીની ખાત્રી માટે, તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરી શકાય એવા મોબાઈલ ફોન હોય તે તમામ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય અંગે એપમાં અપડેશન કરવા સૂચન કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સમયસર તબીબી ધ્યાન આપવા અંગે સરળતા રહેશે.

તેવી જ રીતે તમામ વ્યક્તિઓએ એકબીજાથી ઓછા માં ઓછુ ૬ ફુટ અંતર (દો ગજ કી દુરી) જળવાય તે મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે દુકાનદારોએ સુનિશ્વિત કરવાનું રહેશે. મોટી સંખ્યામાં જન સમુદાય/ સમારંભો પર પ્રતિબંધ રહેશે. જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુ વિગેરેનું સેવન પ્રતિબંધિત રહેશે. કાર્યસ્થળોએ શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ સિધ્ધાંતને અનુસરવાનો રહેશે.

કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો(Business hours) અલગ અલગ રાખવાના રહેશે.તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અને સેનીટાઈઝરની જોગવાઈ કરવાની રહેશે.સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે. કાર્યસ્થળના પ્રભારી એવા તમામ વ્યક્તિઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે શિફ્ટ વચ્ચે સમયનું યોગ્ય અંતર અને કર્મચારીગણના ભોજન માટે અલગ અલગ સમયની ગોઠવણ કરીને સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત દરેક દુકાન/ વેપારી એકમો/ પેઢી તથા કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્તરીતે અમલ કરવાનો રહેશે. જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાઈરસ પોઝીટીવ વિસ્તાર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ / નર્મદા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ખાતે ૨૪ કલાક કાર્યરત ફોન નંબર ૦૨૬૪૦-૨૨૧૮૦૬ / ૦૨૬૪૦-૨૨૪૦૦૧ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ ઉપર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર Home Quarantine/ Isolation ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે નર્મદા જિલ્લાના quarantine વોર્ડમાં ખસેડી Epidemic Diseases Act-1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/૨૦૨૦-DM-I(A)મ તા,૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/૨૦૨૦, તા.૨૭/૦૩/૨૦૨૦, તા.૨૯/૦૩/૨૦૨૦, તા.૦૨/૦૪/૨૦૨૦, તા.૦૩/૦૪/૨૦૨૦, ૦૬/૦૪/૨૦૨૦, તા.૧૦/૦૪/૨૦૨૦, તા.૧૨/૦૪/૨૦૨૦, તા.૧૪/૦૪/૨૦૨૦, તા.૦૧/૦૫/૨૦૨૦ તથા તા.૧૭/૦૫/૨૦૨૦ તથા તા.૩૦/૦૫/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here