નર્મદા જિલ્લામાં કેટલીક શરતોને આધીન નાના-મોટા દુકાનદારો, ધંધા-વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા સંદર્ભે કેટલીક છુટછાટ સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામુ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નોવેલ કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન–૨૦૨૦” લાગુ કરવામાં આવેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરેલ છે. ભારત સરકારના તા.૧૫/૦૪/૨૦૨૦ ના જાહેરનામા સાથેના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવાની શરતે અમુક ઉદ્યોગો/ એકમોને પરવાનગી આપેલ હતી. અત્રેથી જાહેરનામા ક્રમાંક: એમએજી/COVID-19/જાહેરનામું/વશી/૧૩૧૩ થી ૧૩૪૮/૨૦૨૦, તા.૧૯/૦૪/૨૦૨૦ થી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા બાબતે દુકાનો ખોલવા અંગે સૂચનાઓ પ્રસિધ્ધ કરેલ હતી. ગૃહ વિભાગ, ગાંધીનગરના વંચાણના ઠરાવથી નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોની દુકાનો ચાલુ રાખવા પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. સરકારની સૂચનાઓ મુજબ નર્મદા જિલ્લામાં પણ આવા નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા પરવાનગી આપવાની જરૂરિયાતને લક્ષમાં લઇને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૨૬/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪-૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા તથા અન્ય દુકાનો ખોલવા અગાઉની તમામ સૂચનાઓ આથી રદ કરી સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં લોકડાઉનમાં નીચે મુજબના દુકાનદારો/ધંધાદારીઓને તેઓની દુકાન/ સ્ટોર કેટલીક શરતોને આધિન તા.૨૬/૦૪/૨૦૨૦ થી ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવે છે.

તદ્અનુસાર, નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલ તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે તેઓના કુલ કર્મચારી/ કામદારોના ૫૦% કર્મચારી/ કામદારો સાથે ચાલુ રાખી શકશે. આ વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલ દુકાનો ચાલુ રાખી શકાશે નહીં. નગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનો પૈકી માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલી દુકાનો સિવાયની તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ હોય તે તેઓના કુલ કર્મચારી/કામદારોના ૫૦% કર્મચારી/કામદારો સાથે ચાલુ રાખી શકશે.

આ જાહેરનામામાં કરાયેલી સ્પષ્ટતા મુજબ ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. તમાકુ, પાન-ગુટખા, સિગારેટ વગેરે કેફી પદાર્થોના વેચાણ કરતા એકમો બંધ રહેશે. હેર કટીંગ સલુન/વાળંદની દુકાનો, સ્પા, ચાની દુકાન (ટી-સ્ટોલ), ફરસાણ, ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલો બંધ રહેશે તેમજ જિલ્લાના જે કોઈપણ વિસ્તારને “કન્ટેઈનમેન્ટ એરીયા” તરીકે જાહેર કરવામાં આવેલ હશે તેમાં કોઈપણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં.

તેવી જ રીતે આ જાહેરનામાં દર્શાવેલી શરતો મુજબ દરેક એકમો/દુકાનદારોએ સરકારની કોવીડ-૧૯ની વખતોવખતની સૂચનાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. એકમો/દુકાનદારોએ કચેરીઓ અને કાર્યસ્થળોમાં સોશ્યલ ડીસ્ટન્સ માટે તમામ વ્યવસ્થાઓ જાળવવાની રહેશે. જાહેર સ્થળો અને કામના સ્થળોએ દરેકે માસ્ક પહેરવો / ચહેરો ઢાંકવો ફરજીયાત રહેશે. દરેક કર્મચારી/કામદારોને હેન્ડ વોશ, સેનીટાઈઝર, માસ્ક, ગ્લોવ્સ વિગેરે પૂરા પાડવાના રહેશે. દરેક એકમો/દુકાનદારોએ કામકાજના સ્થળોને સેનીટાઈઝ કરવાના રહેશે અને કોમન એરીયાને વારંવાર સાફ કરવાનો રહેશે. જ્યારે જે તે જિલ્લામાં સક્ષમ અધિકારી દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી/ કામદારો આવી શકશે નહીં.

નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૬/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪-૦૦ કલાક સુધી અમલ કરવાનો રહેશે. આ સમય દરમ્યાન રાજ્ય સરકાર / કેન્દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here