નર્મદા : કોરોનાથી સંક્રમિત થયેલા ૯ દર્દીઓ કોરોનાને ધોબીપછાડ આપી પરત ઘરે પહોંચ્યા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી ૯ જેટલા કોરોનાના દરદીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાહટ સાથે હોસ્પિટલમાંથી આજે રજા અપાઇ

કોરોનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખીને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવાં અને સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરવાની હિમાયત કરતાં કોરોના મુક્ત ખડગદા ગામના શ્રી કિરણભાઇ બાબર

નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણ બાદ રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં રાજપીપલા શહેર-જિલ્લાના ૯ જેટલાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓ કોરોના સામેનો જંગ જીતી જતાં જિલ્લા કલેક્ટર શ્રી મનોજ કોઠારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત સહિત આરોગ્ય સેનાનીઓની ઉપસ્થિતિમાં આજે કોરોના મુક્ત થયેલા કુલ-૯ જેટલાં દરદીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ અને મેડીકલ સ્ટાફ સહિત સૌ કોઇને સાજા થઇએ પોતાના ઘરે જઇ રહેલાં આ દરદીઓ ઉપર પુષ્પવર્ષા કરીને તાળીઓના ગડગડાહટ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ આજે કોવીડ હોસ્પિટલ ખાતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૧૨ કોરોનાના પોઝિટીવ પેશન્ટ થયાં છે. તે પૈકી એક દરદી સાજો થયાં બાદ તેને પહેલાં ડિસ્ચાર્જ કરાવામાં આવ્યા હતા. આજરોજ તે પૈકીના અન્ય ૯ દરદીઓને એક સાથે સાજા થવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા જિલ્લામાં બે એક્ટીવ પેશન્ટ છે, તેમાંથી એક દરદી રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને અન્ય એક દરદી વડોદરાની ગોત્રી- GMERS હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. અત્યારે જે દરદીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તે તમામ દરદીઓને પ્રોટોકોલ મુજબ હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવશે અને તેમની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. હવે પછી આગામી સમયમાં નર્મદા જિલ્લો ગ્રીનઝોનમાં પણ આવી જશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં શ્રી કોઠારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં ૧ હજારથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે અને હજી પણ જે સિમ્ટોમેટીક દરદીઓ છે તેવા લોકોના દરોજ ૨૦ જેટલાં ટેસ્ટ કરી રહ્યાં છીએ. વહીવટીતંત્ર-આરોગ્યતંત્ર દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૭૦ હજાર જેટલાં સિનીયર સિટીઝન્સ છે. તેમનું સ્ક્રિનીંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ૪૦ હજાર જેટલાં સિનીયર સિટીઝન્સનું સ્ક્રીનીંગ કરી દેવામાં આવ્યું છે. તેની સાથોસાથ આયુર્વેદિક હોસ્પિટલમાં ફ્લુના દરદીઓની તપાસ કરવામાં આવે છે અને સિમ્ટોમેટીકવાળા દરદીઓ જણાય તો તેમનું ચેકઅપ કરવામાં આવતું હોવાનું પણ તેઓશ્રીએ ઉમેર્યું હતું.

ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામના કોરોના મુક્ત થયેલા દરદી શ્રી કિરણભાઇ બાબરે જણાવ્યું હતું કે, કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર ન નિકળવું જોઇએ તેમજ માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવો જોઇએ અને તેની સાથોસાથ તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જોઇએ અને સરકારશ્રીની સુચનાઓનું તમામે પાલન કરવું જોઇએ. સરકારશ્રી તરફથી અમને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ દર્દીઓએ કોરોનાને હરાવ્યો
(1) કિરણ બાબર (ગરુડેશ્વર, ખડગડા)
(2) સરસ્વતી જાધવ (ડેડીયાપાડા)
(3) મેઘના ગુરુદત્ત દવે (રાજપીપળા)
(4) મહેન્દ્રસિંહ સત્યનારાયણ સિંહ રાઉલજી (રાજપીપળા)
(5) સતીશભાઈ મંગાભાઈ વસાવા (કુંવરપરા)
(6) રંજનબેન દેવેન્દ્રભાઈ તડવી (કોલીવાડ, રાજપીપળા),
(7) જેઠીયા મૂજાભાઈ વસાવા (ડેડીયાપાડા),
(8) શકુંતલાબેન નારસિંગ વસાવા (ભૂતબેડા),
(9) એહમદ અબ્બાસ મલેક (સેલંબા,સાગબારા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here