નર્મદા : કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે રાજપીપલા ખાતે કાર્યરત ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ડૉ. નિરજ ઢીંગરાએ કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ કોવીડ-૧૯ સંદર્ભે જિલ્લા પ્રશાસન સાથે યોજેલી સમીક્ષા બેઠક

વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તેની સામે રક્ષણાત્મક ઉપાય અને તકેદારીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથકે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલની કેન્દ્રીય NVBDCP-નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંન્ટ્રોલ પ્રોગ્રામના ડાયરેક્ટરશ્રી ડૉ. નિરજ ઢીંગરાની આગેવાની હેઠળની કેન્દ્રિય આરોગ્ય ટુકડીએ આજે મુલાકાત લઇ વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ સુવિધાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય ટૂકડીની સાથે રાજ્યકક્ષાએથી પણ આરોગ્ય ટૂકડી આ પ્રવાસમાં સાથે જોડાઇ હતી.

કેન્દ્રિય નિયામક ડૉ. નિરજ ઢીંગરાએ કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ હોસ્પિટલ ખાતે જ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, સીવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા સહિત સિવીલ હોસ્પિટલ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય તબીબશ્રીઓ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ સાથે બેઠક યોજીને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારી સંદર્ભે પ્રવર્તમાન લોકડાઉનના અમલ તેમજ કોરોના વાયરસના સંક્રમણથી અસરગ્રસ્ત પોઝીટીવ દરદીઓને આઇસોલેશન હેઠળ અપાઇ રહેલી સઘન સારવાર ઉપરાંત હોમ કોરન્ટાઇન અને ગવર્મેન્ટ બેઇઝ ફેસીલીટી હેઠળ રખાયેલા કોરન્ટાઇન વ્યક્તિઓ, માસ સેમ્પલીંગની જિલ્લામાં થયેલી કામગીરી અંગેની શ્રી ઢીંગરાએ ઝીણવટભરી જાણકારી મેળવી જિલ્લા પ્રશાસન સાથે આ અંગેની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.

બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના પોઝીટીવ દરદીઓનાં રહેઠાણ વિસ્તારના ગામો-વોર્ડ તેમજ દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને સંબંધિતોના લેવાયેલા સેમ્પલીંગ અંગેની ઉંડાણપૂર્વકની જાણકારીથી કેન્દ્રિય આરોગ્ય ટૂકડીને વાકેફ કર્યાં હતાં.

જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપે આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નોવેલ કોરોનાના ૧૧ પોઝીટીવ કેસવાળા દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત તેમના તરફથી અન્ય વ્યક્તિઓ સાથે થયેલાં સંપર્ક અંગેની વિસ્તૃત જાણકારી આપવા ઉપરાંત જિલ્લામાં સારવાર હેઠળના દરદીઓના સેમ્પલની ચકાસણી સહિત માસ સેમ્પલીંગની ચકાસણી અન્વયે પ્રાપ્ત થયેલ પોઝીટીવ-નેગેટીવ રિપોર્ટની વિગતો ઉપરાંત કોરન્ટાઇન હેઠળની વ્યક્તિઓની આંકડાકીય જાણકારીથી પણ કેન્દ્રિય ટૂકડીને ડૉ. કશ્યપે વાકેફ કર્યા હતા.

ઉક્ત બેઠક બાદ કેન્દ્રીય NVBDCP ના ડાયરેક્ટરશ્રી ડૉ. નિરજ ઢીંગરા સહિતની કેન્દ્રિય આરોગ્ય ટૂકડીએ સદરહું કોવીડ-૧૯ હોસ્પિટલમાં કાર્યરત લેબોરેટરીની પણ મુલાકાત લધી હતી અને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here